Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નવા વર્ષથી રાજકોટ જેલમાં FM રેડીયો ગુંજશેઃ કેદીઓ બનશે રેડીયો જોકી

દરેક બેરેક, યાર્ડમાં સ્પીકર ફીટ કરાયાઃ FM સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ એકટીવ થશેઃ કેદી આર.જે. દ્વારા પ્રસ્તુત થનારો કાર્યક્રમ હાલ જેલ પુરતો સીમીત રહેશેઃ બન્નો જોશી

રાજકોટ, તા. ૨૯ :. ૩૧મી ડિસેમ્બરથી રાજકોટ જેલમાં એફએમ રેડીયો ગુંજી ઉઠશે. દરેક બેરેક અને યાર્ડમાં સ્પિકર સિસ્ટમ ફીટ કરી દેવામાં આવી છે. રાજ્યની જેલના એડિશ્નલ ડી.જી. શ્રી કે.એલ.એન. રાવના હસ્તે એફ.એમ. રેડીયો સિસ્ટમ ખુલ્લી મુકવાનું આયોજન હોવાનુ એસ.પી. શ્રી બન્નો જોષીએ જણાવેલ.

રેડીયો એફ.એમ. લોકલ એફ.એમ. સાથે ટાઈઅપથી શરૂ થઈ રહ્યુ છે. એફ.એમ. સાથે એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ જોડાયેલી રહેશે. પ્રથમ તબક્કે પાંચ જેટલા કેદીઓને રેડીયો જોકીની તાલીમ આપવામાં આવી છે.

આ કેદીઓ ગીતોની પ્રસ્તુતિ પૂર્વે વિવરણ કરશે. કાર્યક્રમોમા વચ્ચે વચ્ચે જેલ સંબંધી માહિતી અને તેમના જેલ જીવનની કથની રસસભર રીતે પ્રસ્તુત કરશે.

એનાઉન્સમેન્ટ સિસ્ટમ થકી મહત્વની જાહેરાત જેલ સત્તાવાળાઓ કેદીઓના કાન સુધી પહોંચતી કરશે.

અમદાવાદ જેલમાં ગયા મહિને આ સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે. ત્યાર બાદ રાજકોટમાં આ સુવિધા ૩૧મીથી શરૂ થઈ રહી છે. બરોડા, સુરત જેલમાં પણ નજીકના દિવસોમાં જ એફ.એમ. ગુંજતુ થઈ જશે. કેદીઓના મનોરંજન માટે આ મહત્વનો નિર્ણય છે.

કેદી રેડીયો જોકી દ્વારા પ્રસારીત કાર્યક્રમ અંગે એસ.પી. બન્નો જોશીએ જણાવ્યુ હતુ કે આ કાર્યક્રમ હાલમાં જેલ પુરતો સીમીત રહેશે. ભવિષ્યમાં ફુલફલેજ્ડ કાર્યક્રમ તમામ શ્રોતાઓ માટે પ્રસારીત કરવાની ગણતરી છે. હાલમાં લોકલ એફ.એમ. જેલમાં પણ ગુંજશે. સાથે સાથે જેલના કેદીઓની પ્રસ્તુતિ જેલ પુરતી કરવાનું આયોજન છે.

(2:55 pm IST)