Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગુજરાતના પ્રત્યેક ઘરને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી અને ભૂગર્ભ ગટર સાથે જોડવાનો રાજ્ય સરકારનો નિર્ધાર :નવી સોલાર પોલિસી-૨૦૨૧થી ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ ઘટશે, યુવાનોને રોજગારી મળશે સાથે સાથે સોલાર વીજ ઉત્પાદનમાં ગુજરાત અગ્રેસર બનશે : ફાટક મુક્ત ગુજરાત, દંગા મુક્ત ગુજરાત, રોગ મુક્ત ગુજરાત અને હવે કોરોના મુક્તની દિશામાં ગુજરાત અગ્રેસર : વિજયભાઈ રૂપાણી

સોલાર વીજ ઉત્પાદનથી નાણાની બચત- રીયુઝ વોટરનો ઉપયોગ જેવા આવકના સ્ત્રોત ઉભા કરી નગરપાલિકાઓ ખર્ચ ઘટાડી આવક વધારી વધુ આત્મનિર્ભર બને તેવો અનુરોધ કરતાં મુખ્યમંત્રીશ્રી : ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી રૂપાણી દ્વારા રાજ્યની વિવિધ નગરપાલિકાઓને રૂ. ૧૩૬ કરોડના વિકાસ કામોની ભેટ : શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઇ-માધ્યમથી ધોળકાથી સહભાગી થયા

રાજકોટ:::આગામી સમયમાં ગુજરાતના પ્રત્યેક ઘરને નળ સે જળ યોજના હેઠળ નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી આપવું તેમજ ભૂગર્ભ ગટર જેવી વિવિધ પાયાની સુવિધાઓથી જોડવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ધાર કરવામાં આવ્યો છે, તેમ મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર ખાતેથી વિવિધ નગરપાલિકાઓના વિકાસ કામોના ઇ-લોકાર્પણ- ખાતમૂહુર્ત પ્રસંગે જણાવ્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીના હસ્તે આજે ગાંધીનગરથી રાજ્યની ૧૬ નગરપાલિકાઓના ૨૨ STP-WTP માટે સૌરઊર્જા આધારિત વીજ પ્લાન્ટના કુલ ત્રણ મેગાવોટના કામો, રાજપીપળા ખાતે ભૂગર્ભ ગટર યોજનાના કામોનું ઇ-ખાતમૂહુર્ત તથા સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કામોનું ઇ-લોકાર્પણ કરીને કુલ રૂ. ૧૩૬ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઇ-માધ્યમથી ધોળકાથી સહભાગી થયા હતા.  

મુખ્યમંત્રીશ્રી રૂપાણી કહ્યું હતું કે, રાજ્યના નાના- મોટા તમામ શહેરોમાં પાયાની સુવિધા ઉપલબ્ધ કરાવવા અમારી સરકાર કટિબદ્ધ છે. અગાઉ કોંગ્રેસના શાસનમાં લોકોને ફ્લોરાઇડવાળુ પીવાનું પાણી તેમજ ખુલ્લી ગટરો હોવાથી મેલેરિયા જેવા રોગો થતા હતા. જ્યારે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતની શાસનધુરા સંભાળી છેલ્લા ગુજરાત ગંદકી મુક્ત, ખુલ્લામાં શૌચમુક્ત બન્યું છે. આ ઉપરાંત રાજ્યના નગરોને નળ સે જળ દ્વારા ફિલ્ટર વોટર આપવાની કામગીરી ચાલી રહી છે તેમ તેમણે ઉમેર્યું હતું. 

મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રાજ્યની નગરપાલિકાઓએ સોલાર વીજ ઉત્પાદન થકી વીજ બીલમાં ઘટાડો, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા શુદ્ધ પાણીનો ઉપયોગ જેવા નવા આવકના સ્ત્રોત ઉભા કરીને, ખર્ચમાં ઘટાડો કરીને બચત કરી વધુ આત્મનિર્ભર બનવાની દિશામાં કામ કરવું પડશે. 

રાજ્ય સરકારે આજે જાહેર કરેલી નવી સોલાર પોલિસી-૨૦૨૧થી રાજ્યના ઉદ્યોગોનું ઉત્પાદન ખર્ચ ઘટશે તેના દ્વારા નવી વધુ રોજગારીનું સર્જન થશે અને યુવાનોને રોજગારી મળશે એટલું જ નહિં પણ સોલાર વીજ ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર વિશ્વમાં અગ્રેસર બનીને એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરશે તેવો મુખ્યમંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, નગરપાલિકાઓમાં નવા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ દ્વારા ગટરના પાણીને શુદ્ધ કરીને તે પાણીનો ઉપયોગ બગીચા, ખેતી, ઉદ્યોગને આપવામાં આવશે અને આ સિવાય વધારાનું પાણી તળાવોમાં નાખીને પાણીના સ્તર ઉંચા લાવવામાં આવશે. ગુજરાત આજે ફાટક મુક્ત, દંગા મુક્ત, રોગ મુક્ત અને હવે કોરોના મુક્ત બનવા જઈ રહ્યું છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રી કહ્યું હતું કે, ગુજરાત વધુ સ્વચ્છ અને પ્રાથમિક સુવિધાયુક્ત બને તે દિશામાં પણ નગરપાલિકાઓએ વધુ કામ કરવું પડશે. મુખ્યમંત્રીશ્રીએ આ નવીન કામોના સફળ આયોજન બદલ વહીવટી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી દ્વારા આજે ગુજરાતની જનતાને એક દિવસમાં રૂ. ૧૩૬ કરોડના વિવિધ કામોની ભેટ આપવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગરમાં ૩૨.૩૦ MLD, વલસાડમાં ૨૦.૨૦ MLD અને ગોધરામાં ૨૭.૬૦ MLDના રૂ. ૧૦૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઇ-લોકાર્પણ, રૂ. ૧૭.૭૭  કરોડના ખર્ચે તૈયાર થનારા રાજપીપળા ખાતે ૩૮ કિલોમીટર ભૂગર્ભ ગટર યોજનાનું ઇ-ખાતમૂર્હુત કરાયું હતું. આ ઉપરાંત GUDC દ્વારા નગરપાલિકાના STP/WTP વિસ્તારો પર સોલાર પ્રોજેક્ટ્સ સ્થાપી આ સેવાઓને સ્વયં સંચાલિત કરવા તથા નગરપાલિકાના આર્થિક ભારણને ઓછું કરવાનો નવીન અભિગમના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રૂ. ૧૫.૫૦ કરોડના ખર્ચે રાજ્યની વિવિધ ૧૬ નગરપાલિકાઓના ૨૨ STP / WTP  માટે સૌરઊર્જા આધારિત વીજ પ્લાન્ટના કુલ ૩ મેગાવોટના કામોનું ઇ-ખાતમૂર્હુત કરવામાં આવ્યું હતું. જેના પરિણામે અંદાજે કુલ રૂ. ૪ કરોડથી વધુ રકમની વીજળીની વાર્ષિક બચત થશે.  

ગાંધીનગરથી GUDCના MDશ્રી રાજકુમાર બેનિવાલે સ્વાગત પ્રવચન તેમજ GUDCના સ્વતંત્ર નિયામક શ્રી હાર્દિક શાહે આભારવિધિ કરી હતી. 

કાર્યક્રમના વિવિધ સ્થાનો ઉપર સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ ગાંધીનગર ખાતે શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી મુકેશ પુરી, શહેરી વિકાસ વિભાગના સચિવશ્રી લોચન શહેરા જ્યારે કાર્યક્રમના સ્થળે નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, ચીફ ઓફિસરશ્રીઓ સહિત વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(2:05 pm IST)