Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પોતાની ટ્રક ચોરી કરાવી ભંગારમાં વેચી મારવાનું રેકેટ ખુલ્લું પાડતી વલસાડ એલસીબી : ભેદ ઉકેલી કાઢ્યો

ફરિયાદ કરનારા કપ્તાનસીંગ રામનીયાધસીંગ રાજપુતે પોતાની ટ્રક ચોરી કરાવી હોવાનું ખુલ્યું

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લામાંથી પોતાની જ ટ્રક ચોરી કરાવી તેને ધુલિયાના સ્ક્રેપના ગોડાઉનમાં વેંચી મારવાના આખા રેકેટને વલસાડ પોલીસે ખુલ્લું પાડ્યું છે. વલસાડ નજીક હાઇવે પરથી ચોરી થયેલી પારડીના ટ્રાન્સપોર્ટરની ચોરીની ટ્રક પકડી આખું રેકેટ ખુલ્લું પાડ્યું છે.
  વલસાડ નજીક હાઇવે પર ગુંદલાવ વિસ્તારમાંથી એક ટ્રક નં. જીજે-15-એટી-9996ની ચોરીની ફરિયાદ રૂરલ પોલીસ મથકે નોંધાઇ હતી. જેની તપાસ કરતા આ ટ્રકની ચોરીની ફરિયાદ કરનારા કપ્તાનસીંગ રામનીયાધસીંગ રાજપુતે પોતાની ટ્રક ચોરી કરાવી હોવાનું ખુલ્યું હતુ. તેણેે આ ટ્રક પોતાના મિત્ર બકસીસિંઘ આત્મસિંઘ ઢિલોન અને બક્સીસીંગના પુત્ર પવનદિપસિંઘને આપી હતી. આ પિતા પુત્ર તેને ધુલિયાના ભંગારિયા ભાઇઓ હઝરતઉલ્લા ઉર્ફે રાજુ રહેમતઉલ્લા ખાન અને અબ્દુલા ઉર્ફે પાપા રહેમતઉલ્લા ખાનને આપી આવતા હતા. ભંગારિયાઓ તેને કાપી તેને વેંચી મારતા હતા.

  આખી ઘટનાની જાણકારી મળતાં  જિલ્લા પોલીસ વડા રાજદિપસિંહ ઝાલાની સૂચના અને એલસીબી પીઆઇ ડી. ટી. ગામિતના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઇ કે. એમ. બેરીયા, સી. એચ. પનારા, એએસઆઇ રૂપસિંગ નંદરિયા, મિયામહમંદ ગુલામરસુલ શેખ, હેડ કોન્સ્ટેબલ અલ્લારખ્ખુ આમીર, અજય અમલાભાઇ, કોન્સ્ટેબલ સહદેવસિંહ રાજેન્દ્રસિંહ, કુલદિપસિંહ ધર્મેન્દ્રસિંહ, મયુરસિંહ કનકસિંહે સમગ્ર તપાસ હાથ ધરી તમામ આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી ટ્રકનો રૂ. 9.55 લાખનો ભંગાર અને કટીંગ માટે ઉપયોગમાં લેવાયેલું ગેસ કટર કિં. રૂ. 29 હજાર અને 4 મોબાઇલ કિં. રૂ. 15,500નું મળી કુલ રૂ. 9.99 લાખની મત્તા કબજે લીધી હતી.

(10:06 pm IST)