Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

અઢી વર્ષથી નાસતા ફરતા બુટલેગરને ઝડપી લેવાયો

ગાંધીનગર RR સેલના કોન્સ્ટે. પર હુમલો કર્યો હતો : અરવલ્લી જિલ્લા એસઓજી અને પેરોલ ફર્લો પોલીસે બાવળીયા ટોરડાથી બાતમી આધારે ઓપરેશન પાર પાડ્યું

મોડાસા, ભિલોડા, તા. ૨૮ : અરવલ્લી જિલ્લા એસઓજી અને પેરોલ ફર્લો પોલીસે બાવળીયા ટોરડા ગામેથી બાતમીના આધારે અઢી વર્ષ અગાઉ ગાંધીનગર આર આર સેલના કોન્સ્ટેબલ પર હુમલો કરનાર ફરાર ધંધાસણના કુખ્યાત અને માથાભારે બુટલેગર મહેશ ઉર્ફે કાળીયા અસારીને દબોચી લીધો હતો.

અઢી વર્ષ અગાઉ ગાંધીનગર આર આર સેલના કોન્સ્ટેબલ ઇમરાન નજામીયા ખોખર ખાનગી કારમાં ખાનગી માણસો સાથે ભિલોડા ધોલવાણી નજીક દારૂ ભરેલી ઇકો કારને અટકાવવાનો પ્રયાસ કરતા ઇકો કાર ચાલકે કાર હંકારી મુકતા આર આર સેલના કોન્સ્ટેબલ ઇમરાન ખોખરે ખાનગી કારમાં પીછો કરતા પાછળ બુટલેગરો જીપમાં પહોંચી કારને આંતરી જીપમાં અને ઇકો કારમાં રહેલા બુટલેગરોએ ઇમરાન ખોખર અને ખાનગી માણસ પર જીવલેણ હુમલો કર્યો હતો જે અંગે શામળાજી પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી હુમલો કરનાર કેટલાક બુટલેગરોને દબોચી લીધા હતા.

જિલ્લા એસઓજી પીઆઈ જે પી ભરવાડને આરઆર સેલના પોલીસકર્મી પર હુમલો કરનાર અને છેલ્લા અઢી વર્ષથીં નાસતો ફરતો ધંધાસણના મહેશ ઉર્ફે કાળીયા અસારી નામનો બુટલેગર બાવળીયા ટોરડા ગામે હોવાની બાતમી મળતા એસઓજી અને જિલ્લા પેરોલ ફર્લો ટીમે બાવળીયા ટોરડા ગામે ત્રાટકી બાતમી આધારીત જગ્યાને કોર્ડન કરી મહેશ ઉર્ફે કાળીયો કમજી અસારીને ઈગુજકોપ પોકેટકોપની મદદથી બાવળીયા ટોરડા ગામે થી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ગાંધીનગર આર આર સેલમાં ફરજ બજાવતા પોલીસકર્મી પર બુટલેગરોના હુમલા પછી તરહ તરહની ચર્ચાઓ પોલીસબેડામાં ચર્ચાઈ રહી હતી અને રેડ પર પણ અનેક સવાલો ઉઠ્યા હતા.

(8:55 pm IST)