Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ધોળા દિવસે હિંમતનગરમાં વેપારીને લાત મારી 6 લાખ ભરેલ બેગની ચીલઝડપ કરી બાઈક ચાલક તસ્કરો ફરાર

હિંમતનગર:શહેરના બેરણા રોડ પર આવેલ શ્રીનગર સોસાયટી નજીકથી બુધવારે પ્રસાર થઈ રહેલા એક વેપારીના એકટીવાને બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ લાત મારી તેમના રૂ.૬ લાખ રોકડા ભરેલા થેલાની લૂંટ કરી તેઓ ભાગી ગયા હતા. જે અંગે વેપારીએ તરતજ બંન્ને અજાણ્યા શખ્સો વિરૃધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે હિંમતનગરમાં આવેલ શ્રીનગર સોસાયટીમાં રહેતા પ્રફુલચંદ્ર જયંતિલાલ શાહએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ પોતાના ધંધા પરથી પરવારીને દિવસ દરમ્યાન થયેલા રૂ.૬ લાખના વકરા સાથેનું પાકીટ એકટીવા પર લઈ સાંજે ૭ વાગ્યાના સુમારે ઘર તરફ જઈ રહયા હતા ત્યારે બેરણા રોડ પર અચાનક એક બાઈક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ પ્રફુલચંદ્ર શાહના એકટીવાને લાત મારી પાડી દીધા હતા.
અચાનક બનેલી ઘટનાને કારણે પ્રફુલચંદ્ર કંઈ સમજે તે પહેલા બાઈક પર આવેલ આ બંન્ને અજાણ્યા શખ્સો રૂ.૬ લાખનું પાકીટ લઈ ભાગી ગયા હતા. જેથી તેમણે તરતજ બે અજાણ્યા શખ્સો વિરૃધ્ધ હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
ઉલ્લેખનીય છે કે હિંમતનગર સહિત જીલ્લામાં વિવિધ સ્થળે ધોળે દિવસે વાહન ચોરી અને લૂંટના બનાવ વધી રહયા છે. ત્યારે પ્રજાની સલામતી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. જેથી પોલીસ તંત્રએ ઘટતી કાર્યવાહી કરવી જોઈએ.

(5:06 pm IST)