Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

વાહનમાં HSRP નહીં હોય તો ૧૫ જાન્યુઆરી પછી ૫૦૦નો દંડ

૨૦૧૨ પહેલાના વાહનોને આપવામાં આવેલ છૂટ પરત ખેંચી લેવાઇઃ સુપ્રીમ કોર્ટે આદેશ આપતા હવે તમામ વાહનોમાં HSRP ફરજીયાત

અમદાવાદ તા. ૨૯ : વાહનવ્યવહાર વિભાગે જાહેર કર્યું છે કે આગામી ૧૫ જાન્યુઆરી સુધીમાં રાજયના તમામ વાહનોમાં હાઈ સિકયોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ(HSRP) ફરજીયાત કરવામાં આવી છે. જો નિશ્ચિત સમયમર્યાદા બાદ પણ આ પ્લેટ નહીં હોય તો વાહન ચાલકને રુ. ૫૦૦નો દંડ કરવામાં આવશે.

રાજય સરકારે નવેમ્બર ૨૦૧૨માં જ રાજયના તમામ વાહનો માટે HSRP ફરજીયાત કરી છે. જોકે ૨૦૧૨ પહેલા નોંધાયેલા વાહનોને આમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા. પરંતુ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ બધા જ વાહનોમાં ફરજીયાત HSRP માંથી જૂના વાહનોને બાકાત રાખવાના રાજય સરકારના નિર્ણય સામે કોર્ટે પ્રશ્ન ઉઠાવતા રાજયના ટ્રાન્સપોર્ટ વિભાગે નવું નોટિફિકેશન જાહેર કરી ૧૫ જાન્યુઆરી સુધીમાં તમામ જૂના વાહનોમાં પણ HSRP ફરજીયાત કરવાનું જાહેર કર્યું છે.

આ વર્ષે નવેમ્બર મહિનામાં સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ મિશ્રાની આગેવાનીવાળી બેંચ ગુજરાત, આસામ, દિલ્હી, હરિયાણા અને બિહાર આ પાંચ રાજયોને પોતાના આદેશનું પૂર્ણરુપે પાલન ન કરવા પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને આગામી ૮ સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું હતું. તો બીજીબાજુ રાજયના વાહનવ્યવહાર વિભાગે કહ્યું કે, 'અમારા ધ્યાનમાં આવ્યું છે કે ૨૦૧૨ પછી નોંધાયેલા વાહનો પણ આ છૂટછાટનો ગેરફાયદો ઉઠાવીને HSRP નંબર પ્લેટનો યુઝ નથી કરતા.'

અધિકારીઓએ જણાવ્યું કે, 'રાજયની તમામ RTO ઓફિસ ઉપરાંત ટૂ વ્હિલર અને ફોર વ્હિલરના ડીલર્સ પણ HSRP નંબર પ્લેટ લગાવવા માટે અધિકૃત છે. તેમજ આવી નંબર પ્લેટ માટે RTO ટૂ વ્હિલરના રૂ. ૧૪૦ ચાર્જ વસૂલે છે તેન સામે ડીલર્સને રૂ.૮૯ વધુ વસૂલવાની છૂટ આપવામાં આવી છે. જયારે કાર માટે RTO રૂ. ૪૦૦ વસૂલે છે જેની સામે ડીલર્સ રૂ.૧૫૦ વધુ વસૂલી શકે છે.'(૨૧.૧૨)

(11:39 am IST)