Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

અમદાવાદમાં પકવાન ચાર રસ્તા ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લો મુકાશે:કાલે અમિતભાઈ શાહના હસ્તે ઇ-લોકાર્પણ

સરખેજ અને પકવાન ચાર રસ્તા પર બનેલા બે ઓવરબ્રિજ જનતા માટે ખુલ્લા મુકાશે

અમદાવાદના પકવાન ચાર રસ્તા ઓવરબ્રિજનેકાલથી જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. કાલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહના હસ્તે ઇ-લોકાર્પણ કરવામાં આવશે. 35 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યુ છે. ઓવરબ્રિજ શરૂ થતા અમદાવાદથી ગાંધીનગર તરફ જતા ટ્રાફિકનું ભારણ ઘટશે.

ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા રૂ. ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું ૩૦મી નવેમ્બર સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ ઇ-લોકાર્પણ કરશે. આ ફ્લાય ઓવર શરૂ થતાની સાથે ટ્રાફિકનો પ્રશ્ન હલ થશે. આ ફ્લાય ઓવરના નિર્માણની કામગીરીના કારણે છેલ્લા કેટલાક સમયથી થતા ટ્રાફિક ચક્કજામના દ્રશ્યો દૃર થશે.

સરખેજ- ગાંધીનગર ( એસ.જી. ) હાઈવે પર ઉતરોતર વધતા જતા ટ્રાફિકને હળવો કરવાના ભાગરૂપે નેશનલ હાઇવે ૧૪૭ પર સરખેજ – ગાંધીનગર – ચિલોડા ના કુલ ૪૪ કિ.મી.ના માર્ગને ૪ લેન માંથી ૬ લેનમા રૂપાંતરિત કરવાના તથા આ માર્ગ પર આવતા ચાર રસ્તાઓ પર અગિયાર જેટલા ફ્લાય ઓવર બનાવવાની કામગીરી કેન્દ્ર અને રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.

તદનુસાર ૨૪૫ મીટરની કુલ લંબાઈ નો સિંઘુભવન ચાર રસ્તા ફ્લાય ઓવર રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્માણ પામ્યો છે તેમજ સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજ પણ ૨૪૦ મીટરની કુલ લંબાઇ સાથે રૂ. ૩૬ કરોડના ખર્ચે પૂર્ણ થયો છે. આ બંને ફ્લાય ઓવરના લોકાર્પણ આવતી કાલે સોમવારે સવારે ૧૦-૩૦ કલાકે સિંધુભવન ચાર રસ્તા પાસે યોજાશે.આ પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિકભાઇ પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, સાસંદો. ધારાસભ્યો તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

અમદાવાદથી ગાંધીનગર વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે વિવિધ જગ્યાએ 6 ઓવરબ્રિજ બનાવવામાં આવ્યા છે. 2016માં 867 કરોડ રૂપિયાના ખર્ચે એસજી હાઇવે પર 6 બ્રિજ બનાવવાના કામો મંજૂર થયા હતા. આ બન્ને બ્રિજનું લોકાર્પણ થતા એસજી હાઇવે પરનું ભારણ ઘટશે.

(8:33 pm IST)