Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

વેજલપુરના જે,બી,જવેલર્સમાં દાગીનાની ચોરી કરનાર ગ્રાહક અને શૂટ શેરવાનીના શોરૃમમાંથી ચોરી કરનાર કારીગર ઝડપાયા

જેબી જવેલર્સમાં ગ્રાહકના સ્વાંગમાં બે બંગડીની ચોરી કરનારને નરોડાથી અને શેઠે ઉપાડની ના પડતા ધાગા શોરૃમમાંથી ચોરી કરનાર નોકરને ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધા

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોર ગ્રાહક અને શેઠના નોકરની ધરપકડ કરી શહેરમાં બે ચોરીનો ભેદ ઉકેલ્યા છે વેજલપુરના જે.બી.જ્વેલર્સ માંથી ગ્રાહકના સ્વાંગમાં દાગીનાની ચોરી કરનાર ગ્રાહકને ઝડપી પાડ્યો.છે જ્યારે નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર શૂટ અને શેરવાનીના શોરૂમમાંથી રોકડની ચોરી કરનાર નોકરને પણ ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે. તેણે પોલીસ તપાસમાં અકસ્માતની સારવાર માટે શેઠએ એડવાન્સ રકમ આપવાની ના પાડતા ધાગા શોરૂમમાં નોકરે ચોરી કર્યાની કબૂલાત કરી છે.

 

પ્રથમ કેસમાં વેજલપુરના જે.બી.જ્વેલર્સમાંથી ગ્રાહકના સ્વાંગમાં આવેલા પતિ-પત્નીએ વેપારીની નજર ચૂકવી રૂ.1.60 લાખની મતાની બે બંગડીઓની ચોરી કરી હતી.ક્રાઇમબ્રાન્ચના પીઆઈ જે.એન.ચાવડાના સ્કોડના પીએસઆઈ એ.પી.જેબલીયા અને એસ.પી.ગોહિલ એ બાતમી આધારે આરોપી કમલેશ ઉર્ફ રાજુ થાવર રંગવાણી (ઉં,47), રહે, સ્વામિનારાયણ પાર્ક, હરીદર્શન ચાર રસ્તા, નરોડાની ધરપકડ કરી હતી.આરોપીએ પત્ની સાથે ગ્રાહકના સ્વાંગમાં જઈ જે.બી.જવેલર્સ માંથી બે બંગડીની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદામાલ કબ્જે કર્યો હતો.

ચોરીના અન્ય બનાવમાં નવરંગપુરાના સી.જી.રોડ પર શૂટ અને શેરવાની ભાડે આપવાનો વ્યવસાય કરતા ધાગા શોરૂમના માલિકે તેઓના ત્યાંથી રૂ.1.62 લાખની રોકડની ચોરી થયાની ફરિયાદ કરી હતી. સીસીટીવી ફુટેજમાં ચોરી નોકરે કર્યાંની વિગત ખુલી હતી.ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે.પી.રોજીયાના સ્કોડના પીએસઆઈ આઈ.એસ.રબારી અને એમ.બી.દેસાઈ એ બાતમી આધારે ચોરી કરનાર આરોપી જીગર રમેશ પરમાર રહે, જય મહાદેવનગર, વાડજની ધરપકડ કરી હતી.

જીગરે પોલીસને જણાવ્યું હતું કે, ગત તા.25-11-2020ના રોજ પલક ચાર રસ્તા પર તેનો અકસ્માત થયો હતો. અકસ્માતમાં સામાન્ય ઇજા થતાં જીગરે શેઠ પાસે ઉપાડ માંગ્યો હતો. શેઠએ પૈસા આપવાની ના પાડી હતીઆથી શો રૂમમાં રિશેષ સમયે સ્ટાફના માણસો જમવા ગયા ત્યારે તક જોઈને લોકરમાંથી પોતે રૂ.1.62 લાખની મતાની ચોરી કરી હતી.

(8:24 pm IST)