Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

૧૩ વખતની અધુરા મહિનાની સુવાવડ પછી સંતાન સુખ પ્રાપ્ત થતા માતાના ચહેરા પર અનોખુ સ્મિત જોવા મળ્યુ

આઠમાં મહિને દુખાવો ઉપડતા દર્દીને સારવાર માટે વિરમગામના માઁ વુમન્સ હોસ્પિટલમાં લાવવામાં આવતા ઇમરજન્સીમાં સીઝેરીયન કરી પુત્રનો જન્મ કરાવવામાં આવ્યો : ડૉ.પ્રશાંત પુજારા:ગર્ભાશયના મુખના ઉપરના ભાગે ટાંકા લેવામાં આવ્યા અને ૧૪મી સુવાવડમાં સંતાન પ્રાપ્તિ થઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  “મારૂ નામ લલીતાબેન ધીરૂભાઇ સોલંકી છે અને પાટડી તાલુકાના ખોરાઘોડા સ્ટેશન ગામમાં મીઠાની છુટક મજુરી કરીએ છીએ. મને આ પહેલા ૧૩ વખત અધુરા મહિને સુવાવડ થઇ ગઇ હતી અને એક પણ વખત બાળક બચ્યુ નથી. ૧૪મી વખત અધુરા મહિને સુવાવડ ન થઇ જાય તે માટે અમે ચોથા મહિને વિરમગામમાં આવેલ માઁ વુમન્સ હોસ્પિટલમાં દવા લેવા માટે આવ્યા હતા અને ડોક્ટર સાહેબની સલાહ મુજબ દર પંદર દિવસે સારવાર માટે આવતા હતા. પરંતુ આઠમા મહિને દુઃખાવો ઉપડતા અમે દવાખાને આવ્યા હતા અને સીઝેરીયન કરવુ પડ્યુ હતુ. ૧૪મી વખતે બાળકના જન્મથી જીવનની તમામ ઇચ્છાઓ પુર્ણ થઇ ગઇ છે.” આ શબ્દો છે લલીતાબેન ધીરૂભાઇ સોલંકીના કે જેઓને ૧૪મી વખતની સુવાવડ બાદ સૌ પ્રથમ વખત સંતાન સુખ પ્રાપ્ત થયુ છે.

   વિરમગામની માઁ વુમન્સ હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડૉ.પ્રશાંત પુજારાએ જણાવ્યુ હતુ કે, ખોરાઘોડા સ્ટેશનના ૩૫ વર્ષિય લલીતાબેન ધીરૂભાઇ સોલંકી નામના દર્દીનું બાળક બચાવવા માટે અન્ય હોસ્પિટલમાં બે વખત ગર્ભાશયના મુખ પર ટાંકા લેવામાં આવ્યા હતા પરંતુ બાળકને બચાવી શકાયુ ન હતુ. માઁ વુમન્સ હોસ્પિટલમાં સૌ પ્રથમ દર્દી સારવાર માટે આવતા સાડાત્રણ મહિને ગર્ભાશયના મુખના ઉપરના ભાગે ટાંકા લેવામાં આવ્યા હતા. આઠમાં મહિને દુખાવો ઉપડતા દર્દીને સારવાર માટે માઁ વુમન્સ હોસ્પિટલમાં લાવવામાં આવતા ઇમરજન્સીમાં સીઝેરીયન કરી પુત્રનો જન્મ કરાવવામાં આવ્યો હતો. ૧૪મી સુવાવડ પછી જીવત બાળકને હાથમાં લેતા માતા તથા પરીવારજનોના ચહેરા પર અનોખુ સ્મિત જોવા મળ્યુ છે 

વિરમગામના નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલના પિડીયાટ્રીશિયન ડૉ.રોહિત પટેલે જણાવ્યુ હતુ કે, આઠમા મહિને બાળકનો જન્મ થતા તેને વધુ સારવાર તથા ઓબર્ઝવેશન માટે નાઇસ ચાઇલ્ડ કેર હોસ્પિટલમાં ત્રણ દિવસ સુધી રાખવામાં આવ્યુ અને બાળકની તબીયત સુધારા પર આવતા માતાને આપવામાં આવ્યુ છે. હાલ બાળકની તબીયત સારી છે અને બાળકની જરૂરી તમામ સારસંભાળ રાખવા માટે માતા પિતાને સમજ આપવામાં આવી છે.

(6:02 pm IST)