Gujarati News

Gujarati News

News of Sunday, 29th November 2020

સુમુલ ડેરીના વહીવટી તંત્રમાં ફેરફાર : એમડી સવજી ચૌધરીનું રાજીનામુ : અરુણ પુરોહિતને ચાર્જ સોંપાયો

HR મેનેજર આરતી મહેતાની નાસિક પ્લાન્ટ ખાતે કરાઇ બદલી: પ્રથમ બોર્ડની મિટિંગમાં ઉપપ્રમુખ રાજુ પાઠકની ગેરહાજરી

સુરત : સુમુલ ડેરીની પ્રથમ બોર્ડ મિટિંગમાં સુમુલ ડેરીના એમડી સવજી ચૌધરીએ રાજીનામુંં આપી દીધું છે. સત્તા પરિવર્તન સાથે ચેરમેન માનસિંહ પટેલે વહીવટી તંત્રમાં ધરમૂળથી ફેરફારો શરૂ કર્યા છે.સુમુલના નવ નિયુક્ત ચેરમેન માનસિંહ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી પ્રથમ બોર્ડ મિટિંગમાં સુમુલ ડેરીમાં યોજી હતી. જેમાં અત્યાર સુધી એમડી પદ્દ પરથી જવાબદારી પુરી પાડતા સવજી ચૌધરીએ રાજીનામું આપી દીધું હતું. જેને બોર્ડે સ્વીકારી લીધુ છે.

આ ઉપરાંત નવા એમડી તરીકેનો ચાર્જ અરૂણ પુરોહિતને સોંપવાનો નિર્ણય કર્યો છે. વધુમાં બોર્ડે સુમુલમાં એચ.આર અને પરચેઝ વિભાગના મેનેજર તરીકે ફરજ બજાવતા આરતી મહેતાની બદલી નાસિક પ્લાન્ટમાં કરી તેમના સ્થાને ભુપેશ પરીખને ઇન્ચાર્જ મેનેજરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આ બન્ને અધિકારી વર્તમાન ઉપપ્રમુખ રાજુ પાઠક જ્યારે ચેરમેન હતા ત્યારે મહત્વના હોદ્દાઓ પર હતા.

આ 2 પદ્દમાં ફેરફાર થવાની સાથે શહેરના એલ.પી સવાણી રોડ અને સુમુલ ડેરીના પાર્લરના કોન્ટ્રાક્ટ સહકારી મંડળીઓને સોંપવાનો પણ નિર્ણય બોર્ડે લીધો છે. સુમુલ ડેરીની મળેલી બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેન રાજુ પાઠકની ગેરહાજરી નોંધાય હતી.

(11:25 am IST)