Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સુરતમાં 4 વર્ષની બાળકી સાથે અડપલા કરનારને લોકોએ નિર્વસ્ત્ર કરી ફટકાર્યો

પોલીસ હવાલે કરતા પોલીસ સ્ટેશનમાં પોલીસની અને લોકોની નજર ચુકવીને આરોપી ફરાર થઇ ગયો

 

સુરતમાં નાની બાળકી પર દુષ્કર્મ અને અડપલાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. સુરતમાં ચાર વર્ષની બાળકી સાથે એક વ્યક્તિ દ્વારા અડપલા કરવાનો કિસ્સો સામે આવ્યો છે. ઘટનાની આસપાસના સ્થાનિક લોકોને ખબર પડતા સ્થાનિક લોકો દ્વારા બાળકી સાથે અડપલા કરનારને ઢોર માર મારવામાં આવ્યો અને ત્યારબાદ માર મારતા મારતા પોલીસ સ્ટેશનમાં લઇ જવામાં આવ્યો હતો પરંતુ પોલીસ સ્ટેશનમાં પોલીસની અને લોકોની નજર ચુકવીને આરોપી ફરાર થઇ ગયો હતો.

મળતી વિગત મુજબ સુરતના અમરોલી વિસ્તારમાં અજિત નામનો શખ્શ ચાર વર્ષની બાળકી સાથે અડપલા કરતો હતો. ઘટનાને કેટલાક લોકો જોઈ જતા સ્થાનિક લોકોએ એકઠા થઇને અજિતને પકડીને ઢોર માર માર્યો હતી. અજિતના કપડાં જાહેરમાં કાઢીને તેને માર મારવામાં આવ્યો હતો. મહિલાઓએ પણ અજિતને લાતોથી માર માર્યો હતો. સ્થાનિક લોકો અજિતને માર મારતા મારતા અમરોલી પોલીસ સ્ટેશન લઇ ગયા હતા અને જે સમયે લોકો પોલીસ સામે સમગ્ર મામલે રજૂઆત કરી રહ્યા હતા ત્યારે અજિત લોકો અને પોલીસની નજર ચુકવીને ફરાર થઇ ગયો હતો. સમગ્ર મામલે અમરોલી પોલીસે અજિતની સામે ગુનો દાખલ કરીને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

(12:02 am IST)