Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

પોલીસની ટીમ નિત્યાનંદની તપાસ માટે બેંગલુરૂ પહોંચી

નિત્યાનંદિતાની તપાસ માટે બીજી ટીમ નેપાળ જશે : હાઇકોર્ટના આકરા હુકમ અને ફટકાર બાદ પોલીસ તેમજ સરકારના ગુમ થયેલી યુવતીની ભાળ મેળવવા ધમપછાડા

અમદાવાદ, તા.૨૯ : નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ તપાસ માટે બેંગાલુરું જવા રવાના થઈ છે. સમગ્ર મામલે પીએસઆઈ કક્ષાના અધિકારી બેંગાલુરુંમાં નિત્યાનંદ અંગે તપાસ કરશે. હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદિત સ્વામી નિત્યાનંદના યોગિની સર્વાજ્ઞપીઠમ આશ્રમથી રહસ્યમય રીતે ગુમ થયેલી નિત્યાનંદિતા નેપાળથી કયા દેશમાં ગઇ છે તેની તપાસ પોલીસે શરૂ કરી છે. અમદાવાદ પોલીસની એક ટીમ ટૂંક સમયમાં જ નેપાળ જશે, જ્યાંથી તેણી કયા દેશમાં ગઇ છે તેની વિગત નેપાળ એરપોર્ટ પરથી લેશે. યુવતીઓના પિતા તરફથી કરાયેલી હેબીયર્સ કોર્પસ અરજીમાં ગુજરાત હાઇકોર્ટના આકરા હુકમ અને ફટકાર બાદ હવે પોલીસ અને સરકારી તંત્ર નિત્યાનંદિતા સાથે નિત્યાનંદ અને લોપામુદ્રા દેશ છોડીને જતાં રહ્યાં છે ત્યારે તેમને શોધવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓની મદદ લઇ દોડતુ થયુ છે.

                      બીજી તરફ ડીપીએસ સ્કૂલે સીબીએસઈ બોર્ડની માન્યતા માટે રાજ્ય સરકારના દસ્તાવેજો ખોટા રજૂ કર્યા હોવાનું શિક્ષણ વિભાગની તપાસમાં બહાર આવ્યું હતું. જેને પગલે શિક્ષણ સચિવ વિનોદ રાવે ડીપીએસ સ્કૂલના જવાબદારો સામે ડીઈઓને છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધવા માટે તાકીદ કરી છે. આજે ડીપીએસ સ્કૂલના જવાબદારો સામે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમમાંથી વધુ ચાર બાળકો મામલે થયેલી હેબિયસ કોર્પસની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટે આશ્રમની ભૂમિકા સામે નારાજગી દર્શાવી હતી. કોર્ટે વાલીઓ સામે ખફા થઇ હતી અને આશ્રમના વાલીઓને આકરી ટકોર કરી હતી કે, નિત્યાનંદ આશ્રમના ટ્રસ્ટી કે મેનેજિંગ ટ્રસ્ટી કોણ છે? તેની તમને ખબર નથી? તમે કેવા મા-બાપ છો? હાઈકોર્ટના આ વલણ સામે અંતે ચાર વાલીઓએ કરેલી હેબિયસ કોર્પસ પાછી ખેંચી લીધી હતી. નિત્યાનંદ આશ્રમના વિવાદમાં આશ્રમમાંથી સાધિકાઓ પાસેથી પોલીસે અત્યાર સુધીમાં અનેક લેપટોપ અને ટેબ્લેટ કબજે કર્યાં હતાં. આ કેસમાં એટીએસ, સીઆઇડી તેમજ સેન્ટ્રલ એજન્સીઓએ પણ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હવે નિત્યાનંદ વિરુદ્ધમાં કાયદાકીય સકંજો વધુ મજબૂત બને તે માટે પોલીસની એક ટીમ બેંગાલુરૂ પહોંચી છે, બીજી તરફ નિત્યાનંદિતા નેપાળથી કયા દેશમાં ગઇ છે તે શોધવા માટે પણ પોલીસની એક ટીમ નેપાળ જશે, જ્યાં સ્થાનિક પોલીસની મદદથી નેપાળ એરપોર્ટમાં પેસેન્જરોની વિગતો મેળવશે.

(9:17 pm IST)