Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

દેશમાં દર વર્ષે કેન્સરના એક લાખથી વધારે કેસ નોંધાય છે

રેડિએેશન ઓન્કોલોજીની વાર્ષિક કોન્ફરન્સ શરૂ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવો હાજર રહ્યા : દેશ-વિદેશના નિષ્ણાત તબીબો, સંશોધકો, તજજ્ઞો કોન્ફરન્સમાં ઉમટયા

અમદાવાદ, તા.૨૯ : ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ(જીસીઆરઆઇ) અને એસોસીએશન ઓફ રેડિએશન ઓન કોલોજિસ્ટ્સ ગુજરાત ચેપ્ટર (એઆરઓઆઇ-ગુજરાત ચેપ્ટર) દ્વારા ગુજરાત યુનિવર્સિટી કન્વેનશન એન્ડ એક્ઝીબીશન સેન્ટર ખાતે આજે તા.૨૮ નવેમ્બર થી તા.૧ ડિસેમ્બર, ૨૦૧૯ સુધી ૪૧માં વાર્ષિક પરિષદનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો હતો.  આજના પ્રથમ દિવસે કોન્ફરન્સમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતના મહાનુભાવોએ ખાસ હાજરી આપી હતી અને પ્રાસંગિક પ્રવચન કર્યા હતા. ચાર દિવસીય આ કોન્ફરન્સ માટે દેશ-વિદેશમાંથી નિષ્ણાત તબીબો, સંશોધકો, તજજ્ઞો સહિત ૧૫૦૦થી વધુ ડેલીગેટ્સ ભાગ લઇ રહ્યા છે. રેડિએશન ઓન્કોલોજીની બહુ જ મહત્વની એવી આ કોન્ફરન્સમાં ૫૧૨થી વધુ એબસ્ટ્રેકટ સબમીશન અને રિસર્ચ પેપર રજૂ કરવામાં આવશે, જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ ઘટના હશે. આજના પ્રથમ દિવસે ભારતમાં કેન્સર રોગના ફેલાવા અને તેને અટકાવવા, તેની સારવાર, તેના નિવારણ માટેની એડવાન્સ ટેકનોલોજી, સારવાર પધ્ધતિ અને ઉપાયો વિશે મહત્વપૂર્ણ ચર્ચાવિચારણા હાથ ધરાઇ હતી.

                    એસોસીશન ઓફ રેડિયેશન ઓન્કોલોજીસ્ટ્સ ઓફ ઈન્ડિયા (એઆરઓઆઈ)ના પ્રમુખ ડો.રાજેશ વશિષ્ઠ અને એરોઇકોન-૨૦૧૯ ના ઓર્ગનીઝીંગ સેક્રેટરી ડો. પૂજા નંદવાણી પટેલે જણાવ્યું હતું કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર-૨૦૧૯ના આંકડા) અનુસાર, ભારતમાં કેન્સરના ૨.૨૫ મિલિયન કેસો છે અને દર વર્ષે નવા એક લાખ કેસો નોંધાય છે. ૨૦૧૮માં આ રોગને લીધે ૭ લાખ દર્દીના મોત નીપજ્યાં હતાં. ૨૦૨૦ સુધીમાં દેશમાં કેન્સરના ૧૭ લાખ નવા કેસો નોંધાશે અને આશરે ૮ લાખ લોકો મૃત્યુ પામશે. આ પડકાર સામે વધુ બહેતર રીતે લડવા માટે વૈજ્ઞાનિક શિડ્યુલમાં કી નોટ લેક્ચર્સ, ડિબેટ્સ તથા પેનલ ડિસ્કશન્સનો સમાવેશ કરાયો છે, જે પ્રતિષ્ઠિત તબીબો તથા રિસર્ચર્સને નવા સંશોધનો અને નવી બાબતો વિશે ચર્ચા કરવા, તેમના તબીબી અનુભવો રજૂ કરવા તથા કેન્સરના દર્દીઓને સર્વોત્તમ સારવાર અને કાળજી ઉપલબ્ધ બને તે ઉપરાંત કેન્સરના મહારોગને નાથવા તબીબોને સજ્જ બનાવવા માટે પુરાવા આધારિત સહમતિ સાધવા મંચ ઉપલબ્ધ બનાવશે.  

                    ભારતમાં પાછલા કેટલાક વર્ષોમાં મોઢા, ગળા અને ગાયનેકના કેન્સરના પ્રમાણમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કેન્સરની રેડિએશન, કીમોથેરાપી, ઓપરેશન-સર્જરી અને પ્રોટોન થેરાપી દ્વારા સારવાર અપાય છે પરંતુ તેમાં હવે નવી અને એડવાન્સ્ડ ટેકનોલોજી અને મશીનરી દ્વારા દર્દીને કેવી રીતે ઓછુ દર્દ થાય, ઓછી આડઅસર થાય અને બને ત્યાં સુધી તેના સ્તન સહિતના સંબંધિત અંગો કાપ્યા વિના જ સારવાર આપી શકાય તે દિશામાં ઐતિહાસિક પહેલ થઇ રહી છે. પ્રોટોન થેરાપી ખાસ કરીને બાળકો માટે ફાયદાકારક છે કારણ કે, તેમાં જે તે અંગ અથવા તો હિસ્સાને ફોકસ કરી રેડિએશન કરાય છે અને સારવાર અપાય છે. આ શૈક્ષણિક મેળાવડો પ્રથમ દિવસે ઈન્ડિયન કોલેજ ઓફ રેડિયેશન ઓન્કોલોજી (આઈસીઆરઓ)ની કાર્યશિબિરથી શરૂ થયો હતો. જેમાં નવોદિત રેડિએશન ઓન્કોલોજિસ્ટ્સ માટે પ્રીસિઝન ટેક્નિક્સ ઈન રેડિયેશન ઓન્કોલોજી થીમ પર આધારિત કેન્સરની સારવારની આધુનિક ટેક્નોલોજીકલ પ્રગતિ અંગેના શૈક્ષણિક સત્રોને આવરી લેવાયા હતા. ચાર દિવસીય આ કોન્ફરન્સમાં ઈન્સેપ્શન, ઈવોલ્યુશન, એવિડન્સ એન્ડ ફ્યુચર ઈન ઓન્કોલોજી થીમ પર આધારિત ૭૫થી વધુ વૈજ્ઞાનિક સત્રો યોજાશે.

                આ વૈજ્ઞાનિક સત્રોમાં દેશભરમાંથી જાણીતાં ફેકલ્ટીઝ ઉપરાંત વૈશ્વિક પ્રતિષ્ઠા ધરાવતી કેન્સર સંસ્થાઓના ૨૦થી વધુ જાણીતાં આંતરરાષ્ટ્રીય ફેકલ્ટીઝ ભાગ લેશે જેમાં ધ એમ ડી એન્ડરસન, યુએસએ, ધ માયો ક્લિનિક, યુએસએ, ગુસ્તેવ રૌઝી, ફ્રાન્સ, પીટર મેક કેલમ, ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

(9:07 pm IST)