Gujarati News

Gujarati News

News of Friday, 29th November 2019

સરકાર-અમદાવાદ કોર્પોરેશન મેલેરીયા-ડેન્ગ્યુથી થતા મોત છૂપાવે છેઃ હાઇકોર્ટમાં સૂનાવણી

સિવીલ હોસ્પીટલમાં ચાર્જ વસુલાતો હોવાની પણ રજુઆતઃ રાજય સરકારે જવાબ માટે સમય માંગ્યો

અમદાવાદ તા.૨૯: ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા અને સ્વાઇન ફલુના મુદ્દ થયેલી જાહેર હિતની અરજી અંગે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી. સુનાવણી દરમિયાન, હાઇકોર્ટમાં અરજદારની રજૂઆત હતી કે, રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)એ તેમના જવાબમાં એવું કહ્યું હતુ કે, આ તમામ રોગની સારવાર સરકારી દવાખાઓનોમાં મફત કરવામાં આવે છે. જો કે, વાસ્તવિકતા કંઇક અલગ જ છે. સિવિલ હોસ્પિટલમાં આ રોગની સારવાર માટે ટોકન ચાર્જ વસુલવામાં આવે છે. સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટના ઓફિસ ઓર્ડરમાં આ વાત છે. સરકારી દવાખાનાઓમાં બીપીએલ કાર્ડ ધારકોને રાહત દરે સુવિધા મળે છે.

અરજદારે સરકાર સામે આક્ષેપ મૂકયો હતો કે, આ રોગથી પીડિતા જે દર્દીઓના મોત થાય છે, તે મૃત્યું આંકને છુપાવવામાં આવે છે. રાજ્યના દરેક જિલ્લામાંથી નિયમિત રીતે સરકારને આ રોગની સ્થિતિ અંગેની માહિતી પહોંચાડવામાં આવે છે.

અરજદારની રજૂઆત બાદ, રાજ્ય સરકારે હાઇકોર્ટની વિનંતી કરી હતી કે, આ સમગ્ર બાબત અંગે તેઓ માહિતી મેળવીને રજૂ કરશે અને આ માટે સમય આપો. જેથી, હાઇકોર્ટે રાજ્ય સરકારની માગને સ્વીકારી હતી. આ કેસની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

(11:44 am IST)