Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ઇન્ટર કોન્ટિનેન્ટલ સૌંદર્ય સ્પર્ધામાં સુમન ભાગ લેશે

મેયર સુમનની મુલાકાત લઇ શુભેચ્છા પાઠવી : અમદાવાદ માટે ગૌરવપૂર્ણ ઘટના હશે : ૨૬ જાન્યુઆરીએ ફિલિપાઇન્સ ખાતે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધાની ફાઇનલ

અમદાવાદ,તા. ૨૯ : અમદાવાદ શહેરની વતની અને સિંધી સમાજની સૌંદર્યવાન યુવતી સુમન ચેલાની આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા મિસ ઇન્ટરકોન્ટીનેન્ટલ-૨૦૧૮માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરશે. અમદાવાદ અને ગુજરાત માટે ગૌરવપૂર્ણ કહી શકાય એવી આ ઘટનાને લઇ આજે ખુદ શહેરના મેયર શ્રીમતી બીજલબહેન પટેલે સુમન ચેલાનીની રૂબરૂ મુલાકાત લઇ તેને શુભેચ્છા-અભિનંદન પાઠવી તેને પ્રોત્સાહિત કરી હતી અને આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ ફિલિપાઇન્સ ખાતે મિસ ઇન્ટરકોન્ટીનેન્ટલની સ્પર્ધામાં વિજયી બનવા શુભકામનાઓ પાઠવી હતી. સુમન ચેલાનીએ પણ મેયરનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો અને ભારત દેશ તરફથી પ્રતિનિધિત્વ કરવા જઇ રહી હોઇ એક અમદાવાદી અને ગુજરાતની યુવતી તરીકે તેને બહુ ગૌરવની લાગણી થઇ રહી હોવાનો એહસાસ વ્યકત કર્યો હતો. પર્ક ઇવેન્ટ્સની પ્રોપર્ટી સિનોરિટી ઇન્ડિયા સૌંદર્ય સ્પર્ધામાં ગહન પરીક્ષણની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે. જેમાં વિવિધ તબક્કાઓમાંથી અને ૨૫૦૦ રજિસ્ટ્રેશન બાદ ૫૦૦થી વધુ શોર્ટલીસ્ટેડ થયેલી યુવતીઓમાંથી ગુજરાતની મિસ સુમન ચેલાનીના શિરે મિસ ઇન્ડિયા ઇન્ટરકોન્ટીનેન્ટલ-૨૦૧૮નો તાજ તા.૧૧ સપ્ટેમ્બર,૨૦૧૮ના રોજ પહેરાવવામાં આવ્યો હતો. જેથી હવે તેણી આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ ફિલિપાઇન્સ ખાતે યોજાવા જઇ રહેલી મિસ ઇન્ટરકોન્ટીનેન્ટલ-૨૦૧૮માં ભારત તરફથી પ્રતિનિધિત્વ કરશે. આ સાથે જ તે આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સિંધી સમુદાયની પણ પ્રથમ યુવતી બનશે. એક ખાસ વાતચીતમાં સુમન ચેલાનીએ જણાવ્યું હતું કે, તેનું બાળપણ ભારે મુશ્કેલીઓ અને હાલાકીમાં વીત્યું હતું. તેના પિતાએ તેને ભણાવવા માટે તેમની દુકાન સુધ્ધાં વેચી મારી હતી. પરંતુ તે નાનપણથી જ મહત્વાકાંક્ષી હતી અને પોતાના સપનાઓ પૂરાં કરવા માટે મક્કમ અને ઉત્સુક હતી. જેને પગલે તે જીવનમાં અભ્યાસની સાથે સાથે તેની કારકિર્દી માટે પણ આગળ ધપી હતી. તેણીએ એમીરાત એરલાઇન્સમાં એરહોસ્ટેસની ફરજ પણ બજાવી ચૂકી છે અને આજે તેણી ૧૮થી વધુ ભાષાઓ સમજી શકે છે અને બોલી શકે છે. અલબત્ત, તેણી ફલુઅન્સી અંગ્રેજી, હિન્દી, ગુજરાતી અને સિંધી ભાષા પર વધુ ધરાવે છે. આજની યુવા પેઢીને તેણે સંદેશો આપતાં જણાવ્યું કે, યંગસ્ટર્સે તેના સપના જોવા જોઇએ અને તેને પૂરા કરવા માટે નિષ્ઠાપૂર્વક મહેનત અને પ્રયાસો કરવા જોઇએ. સપના જોવાનો અને તેને પૂરા કરવાનો સૌને અધિકાર હોવો જોઇએ. સમાજે પણ આવા યંગસ્ટર્સ કે પ્રતિભાવંત લોકોને પ્રોત્સાહિત કરવા જોઇએ.

(9:52 pm IST)