Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

વિનય શાહનું કૌભાંડ ૨૬૦ કરોડ નહિ, ફકત ૪૦ કરોડનું જ છે

સીઆઈડીના નામે રાજ્યભરમાં ચર્ચાઃ સીઆઈડી વડાનો સંપર્ક થઈ શકતો નથીઃ પ્રત્યાર્પણથી વિનયને ગુજરાત લાવવા પ્રયાસો શરૂ

રાજકોટ, તા.  ૨૯ :. રાજયભરમાં ચકચાર જગાવનાર ર૬૦ કરોડના કૌભાંડના આરોપી વિનય શાહ બાબતે એક મહત્વનો ખુલાસો થતા અને આ બાબતે સીઆઈડીએ સમર્થન આપ્યાની ચર્ચાએ ચકચાર મચી ગઈ છે.

ચર્ચાતી વાતો મુજબ વિનય શાહ દંપતિ દ્વારા જે ૨૬૦ કરોડનું કૌભાંડ થયુ છે તેમાંથી ૨૨૦ કરોડ પરત અપાઈ ગયા છે. આ કૌભાંડનો આંક હાલમાં ૪૦ કરોડ જેવો જ હોવાનું જાહેર થયેલ છે. ઉકત જાહેરાતના સમર્થન માટે રાજ્યના સીઆઈડી વડા આશિષ ભાટીયાનો સંપર્ક સાધવા કોશિષ કરી હતી પરંતુ તેઓનો ફોન પર સંપર્ક સાધી શકાયો નથી. જાણકારો આ માહિતી સીઆઈડી વર્તુળોએ જ આપ્યાનું જણાવે છે.

ચર્ચાતી વાતો મુજબ સીઆઈડીએ આ આંક કઈ રીતે જાહેર કર્યો ? તેના સવાલના જવાબમાં વિનય શાહ દંપતિના સોફટવેર મેનેજર પ્રદીપ શાહ અને અન્ય એક જાણકાર યુવતીને સાથે રાખી તેઓની તપાસ દરમિયાન આ હકીકત ખુલ્યાનું બહાર આવ્યુ છે. અત્રે યાદ રહે કે સીઆઈડીએ નેપાળ પોલીસના હાથે પોતાની ગર્લફ્રેન્ડ ચંદા થાપા સાથે ઝડપાયા બાદ તેની સામે ૩૧ લાખનું ફોરેન ચલણ વટાવવાનો આરોપ છે. સીઆઈડી એ વાત સારી રીતે જાણે છે કે, વિનય સામે આ માત્ર પ્રાથમિક તપાસ છે. તેની સામે વિધિવિત કેસ ચાલશે અને તે સમયે જામીન પર છુટવા માટે તેની સામેના ૩૧ લાખના આરોપ સામે ૩ ગણી રકમ વિનય શાહે જમા કરાવવી પડે જે રકમ જમા કરાવી તેના માટે શકય ન હોવાથી તેને લાંબો સમય જેલમાં રહેવુ પડે એ ગણતરીએ પ્રદિપ ઝા આસપાસ સીઆઈડી તપાસ કેન્દ્રીત થઈ છે.

સીઆઈડીના સૂત્રોના કથન મુજબ વિનય શાહને વહેલો ગુજરાત લાવવાનું કાયદાકીય રીતે ઘણુ અઘરૂ છે પરંતુ સીઆઈડીએ આશા છોડી નથી. ભારત અને નેપાળ વચ્ચેના કાયદાકીય પ્રત્યાર્પણ અંતર્ગત તેને ગુજરાત લાવવા તમામ પ્રયાસો ચાલુ છે.

(1:24 pm IST)