Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

પેપર કપમાં પણ પ્લાસ્ટીક છે : પ્રતિબંધની માંગણી

પર્યાવરણ - સ્વાસ્થ્ય માટે જોખમ છે પેપર કપ - ગ્લાસ

અમદાવાદ તા. ૨૮ : બુધવારે ગુજરાત હાઈકોર્ટે રાજય સરકાર, વિવિધ નાગરિક સંસ્થાઓ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB)ને નોટિસ ફટકારી છે. એક જાહેરહિતની અરજીમાં રિસાઈકલ ન કરી શકાય તેવા, પર્યાવરણ તેમજ લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી પેપર કપ-ગ્લાસના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માગ કરાઈ છે. જાહેરહિતની અરજીના પગલે હાઈકોર્ટે નોટિસ આપી છે.

અરજીકર્તા દીપક કુમાર મહેતાએ હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી છે કે, પેપર કપ અને અન્ય મટીરિયલ જે હકીકતમાં ૯-૨૦ માઈક્રોન જાડાઈ ધરાવતા પ્લાસ્ટિકના વિવિધ લેયર સાથે મળીને બનાવાતી વસ્તુ છે તેના પર પ્રતિબંધ મૂકાવો જોઈએ. અરજીકર્તાએ દાવો કર્યો કે આવા ઉત્પાદનો રિસાઈકલ નથી કરી શકાતા અને પર્યાવરણ માટે ખતરારૂપ છે, માટે લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આવી વસ્તુઓના ઉત્પાદન અને વેચાણને પ્રતિબંધિત કરવું જોઈએ.

અરજીકર્તાએ કોર્ટને વિનંતી કરી કે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ એકટ અને નિયમોનું બરાબર પાલન થાય તે માટે રાજય સરકાર તેમજ GPCBને નિર્દેશો આપે. અરજીકર્તાનો હેતુ લોકોને માહિતી આપવાનો છે કે પેપર કપ-ગ્લાસમાં પણ પ્લાસ્ટિક રહેલું છે. આવી વસ્તુઓ પર પ્રતિબંધની માગ કરતાં અરજીકર્તાએ વિનંતી કરી કે કોર્ટ આ પ્રકારની વસ્તુઓનું ઉત્પાદન કરતાં યુનિટ સામે પગલાં ભરવા માટે GPCBને હુકમ આપે. આ મામલે સુનાવણી આવતા મહિને હાથ ધરવામાં આવશે.(૨૧.૩)

(9:42 am IST)