Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ધો. ૧૦-૧૨ના પરીક્ષા ફોર્મમાં આધાર નંબર અને ધર્મની જાણકારી આપવા સામે PIL

રાજ્ય સરકાર સહિતના પક્ષકારોને હાઇકોર્ટે નોટીસ પાઠવી કેસની વધુ સુનાવણી છઠ્ઠી ડિસેમ્બરે રાખીઃ ઓનલાઇન ફોર્મમાં આધાર નંબર ન ભરવામાં આવે તો ફોર્મ ભરવાની પ્રક્રિયા આગળ વધતી ન હોવાનો દાવો

અમદાવાદ તા. ૨૯ : ધો.૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના ઓનલાઇન ફોર્મ ભરવા માટે આધાર નંબર માગવાના અને વિદ્યાર્થીઓને મુસ્લિમ તરીકે અલગ તારવવાના મામલે હાઇકોર્ટ સમક્ષ જાહેરહિતની અરજી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે જરૂરી સરકારી સેવાઓ સિવાય આધાર નંબર નહીં લેવાનો ચુકાદો આપ્યો હોવા છતાંય રાજય સરકારે તેનાથી ઉપર જઇને વિદ્યાર્થીઓના આધાર નંબર લેવાની પદ્ઘતિ અપનાવી છે. જો ઓનલાઇન ફોર્મમાં આધાર નંબર ન ભરવામાં આવે તો ફોર્મ ભરવાની પ્રક્રિયા આગળ વધતી ન હોવાનો દાવો પણ રિટમાં કરવામાં આવ્યો છે. તે સિવાય લઘુમતિ વિદ્યાર્થીઓમાં મુસ્લિમ અને અન્યો એવું વિભાજન કરીને મુસ્લિમ વિદ્યાર્થીઓના ડેટા અલગ કરવાનો પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ રિટ માં કરાયો છે. હાઇકોર્ટના એકિટંગ ચીફ જસ્ટિસ અનંત એસ. દવે અને જસ્ટિસ બીરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકાર સહિતના પક્ષકારોને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી છઠ્ઠી ડિસેમ્બરે મુકરર કરી છે. .

આ સમગ્ર મામલે અરજદાર એડવોકેટ કે.આર. કોષ્ટિએ જાહેરહિતની અરજી કરી છે. જેમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરવામાં આવ્યા છે કે, 'સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના આધાર નંબર માગવામાં આવી રહ્યા છે. તથા વિદ્યાર્થીઓ પાસેથી તેમના ધર્મની વિગતો પણ ભરાવવામાં આવી રહી છે. એટલું જ નહીં ધર્મની કોલમમાં પણ લઘુમતિ વિદ્યાર્થીઓનું વર્ગીકરણ કરાયું છે. જેમાં પણ મુસ્લિમ અને અન્યો એવા વિભાજન કરવામાં આવ્યા છે. આ પ્રકારનું વર્ગીકરણ ગેરબંધારણીય છે.'

રિટમાં એવી રજૂઆત કરાઈ છે કે, 'રાજયમાં માર્ચમાં યોજાનારી ધો.૧૦ની પરીક્ષા માટે બીજી નવેમ્બરથી પહેલી ડિસેમ્બર વચ્ચે વિદ્યાર્થીઓના ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એવી જ રીતે ધો.૧૨ માટે ૨૨મી ઓકટોબરથી ૨૦મી નવેમ્બર વચ્ચે ફોર્મ ભરવાના હતા. આ ઓનલાઇન ફોર્મમાં શાળાનું નામ, વિદ્યાર્થીનો પ્રકાર, ગ્રૂપ, વિદ્યાર્થીઓની સામાન્ય માહિતી જેમ કે નામ, અટક, માતા-પિતાનું નામ, જન્મ તારીખ, જ્ઞાતિ, ડોમિસાઇલ, બીપીએલ, લઘુમતિનો પ્રકાર, આધારકાર્ડના નંબર સહિતની વિગતો માગવામાં આવી છે. રાજયમાં અનેક વિસ્તારમાં ઇન્ટરનેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ સુવિધા મળવી મુશ્કેલ છે. જો કે તેમ છતાંય તંત્ર માને છે કે, રાજયની તમામ શાળાઓ પાસે ઇન્ટરનેટ ઉપલબ્ધ છે. જેથી ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત વિદ્યાર્થી લઘુમતિ કોમના વિદ્યાર્થીઓ મુસ્લિમ છે કે પછી અન્ય લઘુમતી કોમના છે તેની વિગતો પણ અલગ-અલગ ભરવાનું વિકલ્પ અપાયું છે. આ પ્રકારે માહિતી માગવી એ ગેરબંધારણીય છે. જેથી વિદ્યાર્થીઓને ઓફલાઇન હાર્ડકોપીમાં પણ પોતાનું ફોર્મ ભરવાની સુવિધા આપવી જોઇએ તથા આ વિદ્યાર્થીઓને પોતાનો આધાર નંબર જાહેર કર્યા વિના અને પોતાનો ધર્મ જાહેર કર્યા વિના ઓનલાઇન ફોર્મ ભરવાની સુવિધા આપવાનો આદેશ કરવો જોઇએ.'(૨૧.૩)

(9:41 am IST)