Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

યુવકે યુવતીના એક્સ બોયફ્રેન્ડને ચપ્પુના ઘાં માર્યા, હત્યાનો પ્રયાસ

સુરતમાં પ્રેમી-પ્રેમિકા અને પૂર્વ પ્રેમીનો કિસ્સો : ઉમરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી : મહિલાને ધમકીનો ગુનો પણ નોંધાયો

સુરત,તા.૨૯ : સુરત શહેરમાં રોજરોજ મારામારી હત્યા અને હત્યાના પ્રયાસની ફરિયાદો આવતી હોય છે ત્યારે આજે એક વધુ મારામારીનો કિસ્સો સામે આવ્યો છે. જોકે, કિસ્સામાં સુરતના વિપલ ટેલર નામના એક શખ્સે પોતાની પ્રેમિકાના પૂર્વ પ્રેમીને ચપ્પુના ઘાં ઝીંકી દેતા મામલો વેસુ પોલીસ મથકે પહોંચ્યો છે. એસ્કોટ સર્વિસના નામે નાણાં ખેખંરી લેતા અઠવાડિયા અગાઉ જેને અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો તેવા માથાભારે જમીન દલાલ અને તેની પ્રેમિકાએ વેસુના આગમ આર્કેડમાં પ્રેમિકાના પૂર્વ પ્રેમીને ચપ્પુના ચારથી પાંચ ઘા ઝીંકી દઇ આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુજે જીંદા નહીં રહેને દેગે તેવી ધમકી આપતા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો છે. ચકચારી બનાવની વિગત એવી છે કે સુરત શહેરના   અલથાણ એસએમસી આવાસમાં રહેતો અને હાલમાં બેકાર પ્રવિણ ઉર્ફે પ્રિન્સ સંજય નિમ્બો ગત રાત્રે રોજ વેસુના આગમ આર્કેડની હોટલમાંથી જમી લીફ્ટમાં નીચે ઉતર્યો હતો. તે દરમ્યાન બિલ્ડીંગના પેસેજમાં તેની પૂર્વ પ્રેમિકા રિયા કાયનાથ અને તેનો માથાભારે પ્રેમી વિપલ મનિષ ટેલર મળી ગયા હતા.

રીયાએ વિપલને કહ્યું હતું કે યે પહેલે મેરા બોય ફ્રેન્ડ થા ઔર બહોત પરેશાન કરતા થા.જેથી વિપલે પ્રવિણને ગાળો આપી ધમકાવ્યો હતો કે આજ પછી રસ્તામાં ક્યાંય મળતો નહી. સામે પ્રવિણે પણ ગાળો આપતા ઝઘડો થયો હતો અને વિપલે ચપ્પુ વડે હુમલો કરી પ્રવિણને પાંસળી, ગળા, પીઠ અને માથાના ભાગે ચારથી પાંચ ઘા ઝીંકી દઇ આજ તો તું શાયદ જીંદા બચ જાયેગા, દોબારા હમારે રાસ્તે મેં આયેગા તો તુંજે જીંદા નહીં રહેને દેગે તેવી ધમકી આપી વિપલ અને તેની પ્રેમિકા રીયા ભાગી ગયા હતા. ઘટના અંગે ઉમરા પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી વિપલ અને રીયાની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે વિપલ અને રીયા ડ્રગ્સનો ધંધો કરતો હોવાની આશંકાના આધારે પોલીસને બાતમી આપનાર મહિલાને ફોન કરી ધમકી આપવાનો ગુનો પણ નોંધાયો છે. જયારે અઠવાડિયા અગાઉ એસ્કોટ સર્વિસના નામે વિપલે નાણાં ખંખેરી લેતા વિવાદ થયો હતો અને વેસુ કેનાલ રોડ પરથી અપહરણ કરી માર પણ મારવામાં આવ્યો હતો.

(7:43 pm IST)