Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મહેસાણાના વિજાપુરના લાડોલ ગામે કેનાલમાંથી મળી આવેલ આધેડની લાશનો ભેદ ઉકેલવામાં આવ્યો:ત્રણ આરોપીની ધરપકડ

વિજાપુર: તાલુકાના લાડોલ ગામના એક આધેડની લાશ વલાસણા નજીક ધરોઈ કેનાલ પાસેથી મળી આવી હતી. આ અંગેની એલસીબીએ તપાસ આરંભી હતી. જેમાં ગુનાનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી હતી અને આધેડની હત્યામાં સંડોવાયેલ ત્રણ આરોપીને બે તમંચા તેમજ છ જીવતા કારતુસ સાથે રામપુરાથી પાલાવાસણા સર્કલ વચ્ચે એલસીબીએ ઝડપી પાડયા હતા. આરોપીઓ જાહેર રસ્તા પર ઉભા રહેલ એકલ-દોકલ વ્યક્તિ  કે વૃધ્ધને ગાડીમાં લીફ્ટ આપી તેમનું અપહરણ કરી દરદાગીના પડાવી લેતા હતા. આ ગુનામાં પણ આધેડને ગાડીમાં બેસાડી અપહરણ કરી નાણાંની માંગણી કરી હતી અને હત્યા કરી લાશને વલાસણા ધરોઈ કેનાલ નજીક ફેંકી દઈ ફરાર થઈ ગયા હતા.

વલાસણાની ધરોઈ કેનાલ પાસે ૨૪ ઓક્ટોબરે લાડોલના મણીલાલ અંબાલાલ પટેલની લાશ મળી હતી. જેમાં વડનગર પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ અનડીટેક્ટ ગુનો શોધવા પોલીસ મહાનિરીક્ષક અભય ચુડાસમા, પોલીસવડા ડો. પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી એલસીબી પીઆઈ બી.એચ. રાઠોડ અને તેમની ટીમ ગુનાના આરોપી શોધવા કામે લાગી હતી. દરમિયાન ઉંડાણપૂર્વક તપાસ દરમિયાન મળેલ બાતમી આધારે લાંઘણજ પોલીસ મથકના ખુનના ગુનાનો આરોપી સંદિપ સુરેશભાઈ પટેલ પેરોલ ફરાર હોઈ અને તેની સાથે યોગેશ રાવળ તથા સંજય રાવળ મળી ઉપરોક્ત ખૂન કરેલ હોવાની જાણ થતાં આ ત્રણેય આરોપીઓ સ્વીફ્ટ કારમાં બે તમંચા, છ કારતુસ સાથે મહેસાણા આવવાની છે ત્યારે ઉક્ત હકીકત આધારે એલસીબીની ટીમે મહેસાણાના રામપુરા ચોકડીથી પાલાવાસણા સર્કલ વચ્ચે વોચ ગોઠવી બાતમીવાળી ગાડી ત્યાંથી નીકળતા ગાડીને પોલીસે કોર્ડન કરી આરોપીઓને મુદ્દામાલ સાથે અટકાયત કરી એલસીબી ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા.આ ત્રણેયની એલસીબીની ટીમે સઘન પુછપરછ કરતા આરોપીઓએ લાડોલના મણીભાઈ પટેલની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી અને તેમનું ગાડીમાં બેસાડી અપહરણ કરી વવાસણા ગામ પાસે લઈ જઈ રિવોલ્વર બતાવી રૃા. ૧ લાખની માંગણી કરી હતી. જે નાણાં આપવાની ના પાડતા વલાસણા ગામ રોડ સાઈડમાં લાશને ફેંકી દી નાસી ગયા હતા.

(5:48 pm IST)