Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

અમદાવાદનો આંખ ઉઘાડનાર બનાવ

સોનાને બદલે બનાવટી સિક્કા પધરાવી નિવૃત આર્મીમેન સાથે લાખોની ઠગાઈ

અમદાવાદ, તા.૨૯: ગુજરાતીમાં એમ કહેવાય છે કે ' લોભી હોય ત્યાં ધુતારા ભૂખ્યા ન મરે.' આ કહેવતને સાર્થક સાબિત કરતા અનેક બનાવો પ્રકાશમાં આવ્યા છે. છતાં લોકો લાલચમાં આવીને છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. આવો વધુ એક બનાવ શાહીબાગ વિસ્તારમાં જોવા મળ્યો છે. ખોદકામ દરમિયાન મળેલા સોનાના સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી ગઠિયા બનાવટી સિક્કા પધરાવી ગયા હતા અને લાખો રૂપિયા પડાવી ગયા.

શાહીબાગમાં રહેતા ચંદ્રપ્રકાશ ટાંક આર્મીમાંથી નિવૃત્ત થયા છે. હાલ તેઓ કોટેશ્વર રોડ પર આવેલા દેવ પ્રાઈડમાં દુકાન ભાડે રાખીને કરિયાણાનો વેપાર કરે છે. કેટલાક દિવસ અગાઉ તેમની દુકાને બે લોકો આવ્યા હતા અને સમાન ખરીદ્યો હતો. તેઓએ ફરિયાદીને કહ્યું હતું કે, તેઓ ઈંટ-પથ્થરનાં ખોદકામનું કામ કરે છે. ખોદકામ દરમિયાન એક દ્યડો મળ્યો હતો. જેમાં સોનાના સિક્કા અને એક સોનાની લાંબી ચેન મળી છે. આ સિક્કા ફરિયાદીને ખરીદવાનું કહીને બે ચાંદીના સિક્કા બતાવ્યા હતા. બાદમાં તેઓ ફરિયાદીનું વિઝિટિંગ કાર્ડ લઈને ત્યાંથી નીકળી ગયા હતા.

જોકે, એ જ દિવસે સાંજે ગઠિયાઓએ ફરિયાદીને ફોન કરીને બીજે દિવસે સિવિલ હોસ્પિટલ ખોડીયાર માતાના મંદિર પાસે મળવા માટે બોલાવ્યા હતા. ફરિયાદી ત્યાં પહોંચતા એક ગઠિયો તેઓને બી જે મેડિકલ સ્ટોર પાસેના એક ડોમ નજીક લઈ ગયા હતા. જયાં એક મહિલા હાથમાં થેલી લઈને પહેલાથી જ ઊભી હતી. જેણે એક સિક્કો આપીને જવેલર્સને ત્યાં બતાવવા માટે કહ્યું હતું. આ સિક્કો જવેલર્સને બતાવતા સિક્કો સોનાનો હોવાનુ જાણવા મળ્યું હતું. બાદમાં તેમણે ૨૩મી ઓકટોબરના દિવસે તેઓએ નિરમા યુનિવર્સિટી પાસે મળવાનું નક્કી કર્યું હતું. ફરિયાદીએ આ સિક્કા એક નંગ દીઠ એક હજાર રૂપિયામાં માંગતા આરોપીઓએ સિક્કા આપ્યા ન હતા. બાદમાં તેઓ સિવિલ હોસ્પિટલ અગાઉ જયાં મળ્યા હતા ત્યાં મળીને ફરિયાદીએ આ ત્રણ ગઠિયાઓને રૂપિયા ૬ લાખ આપતા તેઓ સિક્કા ભરેલી બેગ આપીને ત્યાંથી નીકળી ગયા હતા. આ સિક્કા સોનીને બતાવતા જાણવા મળ્યું હતું કે, આ તમામ સિક્કા બનાવટી છે. જેથી ફરિયાદીએ પોલીસને જાણ કરતા પોલીસ આ મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

(2:47 pm IST)