Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

પીપીઈ પહેરવાથી કોરોના વોરિયર્સનું વજન ઘટવા લાગ્યું!

મહામારી શરૃં થઈ ત્યારથી ડોકટરોનીે પીપીઈ કિટ પહેરીને ખડેપગે દર્દીઓની સેવામાં મહત્વપૂર્ણ ભૂમિકા

અમદાવાદ તા. ૨૮:  છ મહિના કરતાં વધારે સમયથી કોવિડ-૧૯ હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલા ડોકટરો પીપીઈ કિટ પહેરીને સતત દર્દીઓની સારવાર કરી રહ્યા છે. જયાં એક તરફ પીપીઈ કિટ તેમને વાયરલ ઈન્ફેકશનથી સુરક્ષા આપે છે તો બીજી તરફ આ કિટ તેમને ખાતા-પીતા રોકે છે અને વધારે પરસેવાનું કારણ બને છે. જેના કારણે ફ્રંટલાઈન કોવિડ વોરિયર્સનું વજન દ્યટવા લાગ્યું છે. ૨૫ વર્ષની ડો.નિધિ કાપડીયા કે જે એમડી સાઈકિયાટ્રિકના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે, તેણે જણાવ્યું હતું કે, જ્યારથી મહામારી શરૃ થઈ ત્યારથી હું ડ્યૂટી પર છું. પીપીઈ કિટ પહેર્યા બાદ કોરોના ઈન્ફેકશનને ટાળવા માટે અમે કંઈ ખાઈ-પી શકતા નથી. એપ્રિલથી જૂનના સમયગાળામાં એટલી ગરમી પડી કે અમે પીપીઈ કિટમાં કંટાળી જતા હતા. અમે પરસેવાથી નીતરી જતા હતા છતાં તેને કાઢી શકતા નહોતા. આ સિવાય દર્દીઓ સાથે ડીલ કરવાથી હું માનસિક રીતે થાકી ગઈ છું. દિવસ પૂરો થતાં અમે એટલા થાકી જઈએ છીએ કે જમવાના પણ હોશ રહેતા નથી. અમે તેથી ઊંઘી જઈએ છીએ. બદલાતી રહેતા શિફટ ટાઈમે પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.

ઘણી વખત તો હું બપોરે અને સાંજે નહોતી જમી. સાત દિવસની ફરજ પછી અમને એક અઠવાડિયાનો વિરામ મળે છે, તેમ છતાં શિફટ ઘણીવાર ભોજનના સમયમાં ખલેલ પહોંચાડે છે. એપ્રિલ પહેલા મારું વજન ૭૫ કિલો હતું અને હવે ઘટીને ૬૬ કિલો થઈ ગયું છે. મેડિકલ સર્વિસના હેડ ડો. અનુશ્રી પંડ્યાએ પોતાના અનુભવ જણાવતાં કહ્યું કે, હું દિવસના ૮થી ૧૦ કલાક કામ કરું છું. કોરોના મહામારી શરુ થઈ ત્યારથી મેં એક દિવસની પણ રજા લીધી નથી. ઉપરથી સ્ટાફ ઓછો છે. દર્દીઓનો ધસારો વધારે છે અને તેઓ ઝડપથી રિકવર થાય તેની ખાતરી કરવા માટે અમારે મેનેજ કરવું પડે છે. અમે અમારી નજરોની સામે લોકોને મૃત્યુ પામતા જોયા છે, જે અમારા માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરે છે. ઉપરાંત પીપીઈ એટલે સતત પરસેવો થવો. જેના કારણે સ્કિન ઈન્ફેકશન, અલ્સર, યુરિનરી ટ્રેકટ ઈન્ફેકશન થાય છે. લોકડાઉન પહેલા મારું વજન ૫૮ કિલો હતું અને હવે દ્યટીને ૫૦ કિલો થઈ ગયું છે. પલ્મનરી એન્ડ ક્રિટિકલ કેર મેડિસિનના કન્સલ્ટન્ટ ડો. ભાગ્યેશ શાહે (ઉંમર ૩૮) જણાવ્યું કે, મહામારી જયારે શરુ થઈ ત્યારે મારું વજન ૮૮ કિલો હતું અને આજે મારું વજન ૮૦ કિલો છે. વજન ઓછું થઈ જતાં હું ખુશ છું પરંતુ આ સામાન્ય રીતે થયું નથી અને આ ચિંતાનો વિષય છે. છેલ્લા ૫-૬ મહિનાથી અમે ૮થી ૧૦ કલાક માટે પીપીઈ કિટ પહેરીએ છીએ. પીપીઈ કિટ પહેરી હોય ત્યારે અમે પાણી પી શકતા નથી અથવા ભોજન લઈ શકતા નથી.

(12:05 pm IST)