Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ગોલ્‍ડ મેડાલીસ્‍ટ એથલીટ નીરજ ચોપડા વડોદરામાં ગરબે રમ્‍યા અને માતાજીની આરતી ઉતારીઃ વીડિયો વાયરલ

દેશમાં સ્‍પોર્ટસનું ભાવિ ઉજ્જવળઃ પીએમ મોદીને મળવાની ઇચ્‍છા વ્‍યક્‍ત કરતા નિરજ ચોપડા

વડોદરાઃ ટોક્‍યો ઓલિમ્‍પિક્‍સમાં ભાલા ફેંકમાં ગોલ્‍ડ મેડલ જીતનાર નીરજ ચોપડા વડોદરાના મહેમાન બન્‍યા છે. નવલખી મેદાનમાં આયોજીત નવરાત્રી મહોત્‍સવમાં તેઓ ગરબે રમ્‍યા હતા. નીરજ ચોપડાએ જણાવ્‍યું કે, આટલી સંખ્‍યામાં લોકોને ગરબે રમતા પહેલી વાર જોયા છે.

ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનારા એથલીટ નીરજ ચોપડા ગઈ કાલે વડોદરાના મહેમાન બન્યા. અહીં તેમણે ગરબા મહોત્સવમાં ભાગ લીધો અને લોકો સાથે ગરબે પણ ઘૂમ્યા. માતાજીની આરતી પણ કરી. વડોદરાના ગરબા નિહાળી નીરજ ચોપડા ખુશ થઈ ગયા. શહેરના નવલખી મેદાનમાં આયોજિત વડોદરા નવરાત્રી ફેસ્ટિવલમાં નીરજ ચોપડાએ ભાગ લીધો હતો.

નીરજ ચોપડાએ ગુજરાતનું ગૌરવ એવા ગરબાનો આનંદ માણ્યો હતો. ગરબે ઘૂમ્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે, આટલી મોટી સંખ્યામાં એકસાથે ભેગા થઈ રમતા લોકોને પહેલીવાર જોયા. આ ઉપરાંત તેમણે આવનાર નેશનલ સ્પોર્ટ્સ ગેમના સ્પર્ધકોને શુભકામના પણ પાઠવી. નીરજ ચોપડાએએ કહ્યું કે દેશમાં સ્પોર્ટ્સનું ભાવિ ઉજ્જવળ છે. દેશમાં ખેલને વધુ પ્રોત્સાહન મળે તે માટે પીએમ મોદી સાથે મળવાની પણ વાત તેમણે કરી.

નીરજ ચોપડાનો ગરબે ઘૂમતો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાતના ગરબા વર્લ્ડ ફેમસ છે ત્યારે નીરજ ચોપડા પોતે પણ આ અવસરે ગુજરાત આવ્યા તો પોતાની જાતને ગરબા રમતા રોકી શક્યા નહીં.

અત્રે જણાવવાનું કે નીરજ ચોપડા નેશનલ ગેમ્સ અર્થે ગુજરાતમાં છે. ગુજરાતના 6 શહેરોમાં થનારા નેશનલ ગેમ્સનું આજે પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ધાટન કરશે. 7 વર્ષના લાંબા સમયગાળા બાદ નેશનલ ગેમ્સ થઈ રહી છે. છેલ્લા 2015માં કેરળમાં તેનું આયોજન થયું હતું. આ વખતે 7000થી વધુ એથલીટ 36 અલગ અલગ સ્પોર્ટિંગ ઈવેન્ટમાં ભાગ લેશે.

(5:17 pm IST)