Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

આણંદ જિલ્લામાં વીજતંત્રના દરોડા:3.30 લાખની ગેરરીતિ ઝડપવામાં આવી

વલ્લભવિદ્યાનગર : આણંદ એમજીવીસીએલ વર્તુળ કચેરીની ૪ ટીમ દ્વારા પેટલાદ તાલુકાના જુદા-જુદા  ગ્રામ્ય વિસ્તારોમાં ઓચિંતી તપાસ હાથ ધરીને ૩૦ કનેકશનોની ચકાસણી હાથ ધરવામા આવી હતી. જેમાં વીજચોરીના ૮ કિસ્સાઓ ઝડપાતા અધિકારીની ટીમે કસુરવારોને ૩.૩૦ લાખનો દંડ ફટકારતા વીજચોરી કરતા તત્વોમા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે.

મધ્ય ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી આણંદ દ્વારા વીજચોરીના કિસ્સાઓને ઝડપી લઇને નિયંત્રિત કરવા સ્પેશીયલ ડ્રાઇવ શરૂ કરાયુ છે. સર્કલ કચેરીના કાર્યક્ષેત્રમા આવતા પેટલાદ પેટાવર્તુળના તાબામાં ગતરોજ  ઇલેકટ્રીશ્યનો, વાયરમેન, હેલ્પર મળીને ૪ ટીમોએ ગતરોજ પેટલાદ તાલુકાના  પંડોળી,આમોદ, ભાટીયેલ, દંતાલી, રૂપિયાપુરા, આશી, ભવાનીપુરા, જોગણ સહિતના વિસ્તારોમા અચાનક ચેકીંગ હાથ ધરીને ૩૦  જોડાણોની તપાસ કરતા ૮ જોડાણોમાં વીજપૉલ ઉપરથી બારોબાર વીજપ્રવાહ મેળવવો, મેઇન લાઇન ઉપર લંગસિયા નાંખીને અવરોધ ઉભો કરવો, સક્ષમ અધિકારી કે કચેરીની પરવાનગી સિવાય પોતાના કનેકશનમાંથી પાડોશી કે અન્ય વ્યક્તિને ગેરકાયદેસર જોડાણ આપવું, ઘરેલુ કનેકશનના્ કોમર્શિયલ ઉપયોગ, ડોમેસ્ટીક કનેકશનનો ખેતીવિષયક ઉપયોગ, મીટર સાથે ચેડા સહિતના વીજચોરીના ૮ કિસ્સાઓ ઝડપાઇ જવા પામ્યા હતા.  જેથી ટીમે કસુરવારો વિરૂદ્ધ પ્રારંભિક તપાસ હાથ દરીને રિપોર્ટ તૈયાર કર્યા બાદ વીજચોરીના ગુનાની ગંભીરતાના આધારે દંડની આકારણી કરી ૩.૩૦ લાખના દંડનીય બિલો ઇસ્યુ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

(6:03 pm IST)