Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વડોદરાના ચકચારી દુષ્‍કર્મ કેસમાં જુનાગઢથી ઝડપાયેલ રાજુ ભટ્ટનો આરટીપીસીઆર રિપોર્ટ આવે પછી ધરપકડ કરાશેઃ ફરાર આરોપી અશોક જૈન પણ ગમે ત્‍યારે ઝડપાઇ જશે

કાનજી મોકરિયાએ પીડિતાની મુલાકાત હોટલમાં કરાવી હતી

વડોદરા: વડોદરાના હાઇ પ્રોફાઈલ દુષ્કર્મ કેસનો મામલામાં પાવાગઢ મંદિરના ટ્રસ્ટી આરોપી રાજુ ભટ્ટને મોડી રાત્રે જૂનાગઢથી વડોદરા લાવવામાં આવ્યો છે. વડોદરા અને જૂનાગઢ પોલીસે જોઈન્ટ ઓપરેશનથી 8 દિવસથી નાસતા-ભાગતા આરોપી રાજુ ભટ્ટ (Raju Bhatt) ને પકડી પાડ્યો હતો. આખરે 8 દિવસ બાદ રાજુ ભટ્ટ ઝડપાયો છે. આરોપી રાજુ ભટ્ટનો આજે પોલીસ RTPCR રિપોર્ટ કરાવશે. RTPCR રિપોર્ટ આવ્યા બાદ રાજુ ભટ્ટની પોલીસ ધરપકડ કરશે.

રાજુ ભટ્ટને ભગાડવામાં કાનજી મોકરિયાનો મોટો રોલ

રાજુ ભટ્ટ અને અશોક જૈનને પકડવા માટે વડોદરા પોલીસે તમામ દિશામાં ઘોડા દોડાવ્યા હતા, આખરે રાજુ ભટ્ટને પકડવામાં સફળતા મળી છે. રાજુ ભટ્ટના વકીલનો ફોન વોચમાં હતો અને રાજુ ભટ્ટનું લોકેશન મળ્યું હતું. રાજુ ભટ્ટ પોતાના વકીલને મળીને નીકળ્યો અને પોલીસે તેને કોર્ડન કરી ઝડપી પાડ્યો છે. 19 સપ્ટેમ્બરે દુષ્કર્મની એફ.આઈ.આર થયા બાદ 20 સપ્ટેમ્બર સુધી રાજુ ભટ્ટ વડોદરામાં જ હતો.

કાનજી મોકરિયા રાજુ ભટ્ટને પોતાની કારમા રણોલી છોડી આવ્યો હતો. ત્યારે પોલીસ કાનજી મોકરિયાને પણ આજે કોર્ટમાં રજૂ કરશે અને તેના રિમાન્ડ માંગશે. કાનજી મોકરિયાએ પોલીસ સમક્ષ મોટો ખુલાસો કર્યો કે, તેણે પીડિતાને 3 લાખ રૂપિયા દયા ભાવનાને કારણે આપ્યા હતા. પીડિતા યુવતી કાનજી મોકરિયાના હાર્મની હોટલમાં 20 દિવસ સુધી રોકાઈ હતી. પીડિતાને પ્રણવ શુક્લ નામના પૂર્વ પત્રકારે પણ મળાવી હોવાનું તેણે પોલીસ સમક્ષ કબૂલ્યુ હતું.

કોણ છે કાનજી મોકરિયા

વડોદરાના હાઈપ્રોફાઈલ રેપ કેસમાં કાનજી મોકરિયાની ભૂમિકા પણ સામે આવી છે, જે સયાજીગંજમાં આવેલી હાર્મની હોટલનો માલિક છે. રાજુ ભટ્ટ અને પીડિતાની મુલાકાત કાનજી મોકરિયાએ હોટલ હાર્મનીમાં જ કરાવી હતી. હોટલ હાર્મનીના માલિક કાનજી મોકરિયાની ધરપકડ બાદ તેણે પોલીસ સામે તમામ વટાણા વેરી દીધા હતા, અને રાજુ ભટ્ટ પકડાયો હતો. પોલીસે સોમવારે રાત્રે અટકાયત કરી રિમાન્ડ મેળવવાની તજવીજ કરી હતી.

કાનજી મોકરિયા પીડિતાને જરૂરી આર્થિક સહિતની તમામ મદદ પૂરી પાડતો હતો. તે અવારનવાર પીડિતાના નિસર્ગ કોમ્પલેક્ષના ફ્લેટમાં પણ જતો હતો. છ માસ પહેલાં પીડિતાના માતા-પિતા વડોદરા આવ્યા ત્યારે તે પિડીતાની સાથે તેમને મળ્યો હતો અને તે વખતે પણ તમામ વ્યવસ્થા કરી આપી હતી.

અમેરિકાથી આવી પહોંચેલી રાજુની પત્નીને પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ બોલવાઈ હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રાજુના પુત્ર, ભત્રીજા અને વેવાઈને પકડી વડોદરા પોલીસને સોંપ્યા છે. રાજુ ભટ્ટના બંગલાનો 81,647 રૂપિયાનો વેરો બાકી નીકળતો છે. પોલીસ કમિશ્નરે ક્રાઈમ બ્રાન્ચમાં મધરાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. ફરાર આરોપી અશોક જૈન પણ પોલીસના રડારમાં છે. ગમે ત્યારે તેની પણ ધરપકડ થઈ શકે છે.

(4:29 pm IST)