Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાત એલર્ટ મોડ ઉપર : રાજ્યભરમાં NDRF - SDRFની ૧૭ ટીમો તૈનાત

ભારે વરસાદની આગાહીને લઈ અગાઉથી તૈયારીઓ શરૂ

ગાંધીનગર, તા.૨૯: ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં શાહિન વાવાઝોડું સક્રિય થયું છે. જેના કારણે હવામાન વિભાગ દ્વારા અગાઉથી ભારે વરસાદની આગાહી કરી દેવામાં આવી છે. પરિણામે સરકાર દ્વારા પણ ગુજરાતમાં NDRF અને SDRFની ૧૭ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. જેથી ગંભીર પરિસ્થિતીઓમાં લોકોને બચાવી શકાય.

જણાવી દઈએ કે ભારે વરસાદની આગાહીને લઈને વલસાડ તેમજ સુરતમાં ૧ ૧ એનડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. સાથેજ નવસારી, રાજકોટ અને ગીર સોમનાથમાં પણ એનડીઆર એફની એક એક ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સિવાય ભાવનગર, અમરેલી અને જૂનાગઢમાં પણ ૧-૧ NDRFની ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. કારણકે અગાઉ પણ ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં અતિવૃષ્ટી થઈ હતી. દ્વારકા પોરબંદર અને ખેડામાં પણ NDRFની ૧-૧ ટીમો તૈનાત કરવામાં આવી છે. કારણકે આ જિલ્લાઓમાં વરસાદ ભારેથી અતિભારે પ્રમાણમાં પડતો હોય છે.વરસાદને લઈને વડોદરા ખાતે ૩ ટીમ પહેલાથી રિઝર્વ કરી દેવામાં આવી છે. તે સિવાય SDRFની પણ ૧૧ પૈકી ૮ ટીમોને રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. જેમા રાજકોટ અને જૂનાગઢમાં SDRFની ૨-૨ ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથેજ જામનગરમાં ૨ અને આણંદમાં એક એસડીઆરએફની ટીમને તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત ખેડા, ગોધરા અને વાવમાં પણ ૧-૧ એસડીઆરફની ટીમો તૈનાત કરવામાં આવી છે. સાથેજ વડોદરા તેમજ અમદાવાદમાં પણ ૧-૧ એસડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. વાલીયામાં એસડીઆરએફની ૧ ટીમને રીઝર્વ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો પહેલાજ ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં પરિસ્થિતી વણસી હતી. જેમા ખાસ કરીને જામનગર આખુ જળબંબાકાર થઈ ગયું હતું. ત્યારે આ વખતે ભારે વરસાદની આગાહીને લઈને અગાઉથીજ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

(3:52 pm IST)