Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતા ટોલ ફ્રી નંબર શરૂ :1908 પર ફોન કરીને આપી શકાશે ડ્રગ્સની માહિતી માહિતી આપનારની ગોપનિયતા જાળવવામા આવશે

અમદાવાદ :ગુજરાત રાજ્યમાં નશાનો કારોબાર કરતા ગુનેગારોની સંખ્યા વધતી જાય છે. હાલમાં જ પોરબંદરનાં દરિયા કિનારા પાસેથી કરોડોની કિંમતનાં હેરોઈન સાથે ઈરાની શખ્સોની ધરપકડ કરાઈ છે. મુંદ્રા પોર્ટ પરથી પણ DRI એ કરોડોની કિંમતનો હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો છે, તેવામાં ગુજરાતનાં CID ક્રાઈમ અને રેલ્વેઝ દ્વારા નશાખોરીને અટકાવવા અને ડ્રગ્સની હેરાફેરી અટકાવવા ખાસ Toll Free નંબર શરૂ કર્યો છે. હવેથી ડ્રગ્સને લગતી કોઈ પણ માહિતી Toll Free નંબર 1908 પર આપી શકાશે.

ગુજરાતમાં નાર્કોટિક્સ ડ્રગ્સનાં ઉત્પાદન, વેચાણ, અને સેવનની પ્રવૃતિ અટકાવવા જાહેર જનતાની મદદ લેવા માટે આ Toll Free શરૂ કરવામાં આવ્યો છે. ગાંજો, ચરસ, અફિણ, કોકેઈન, હેરોઈન, કેટામાઈન, એમ.ડી જેવા પ્રતિબંધિત કૃત્રિમ ડ્રગ્સનુ ઉત્પાદન કરનાર, તેમજ શાળા, કૉલેજ, ઓદ્યોગિક વસાહતો, રહેણાંક વિસ્તારોની આસપાસ આ ડ્રગ્સનું વેચાણ કરનારા, ગેરકાયદેસર નશાકારક દવાઓ, અથવા પદાર્થોની હેરાફેરી કરનારા, અથવા તો તેના જથ્થાનો સંગ્રહ કરે તેવા વ્યક્તિની જાણ Toll Free નંબર 1908 પર કરી શકાશે.

 

CID ક્રાઈમને આ અંગેની માહિતી આપનારા વ્યક્તિની માહિતી ગુપ્ત રાખવામાં આવશે. અને જો માહિતી યોગ્ય હશે તો જે-તે વ્યક્તિને પુરસ્કાર પણ આપવામાં આવશે.

(12:10 pm IST)