Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

ભાવનગરના શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ખોલી દેવાયા

માલણ નદીમાં પૂર જેવી સ્થિતિ : ડેમ ઓવરફ્લો થતા ગોરસ, નાનાજાદરા, લખુપરા, મહુવા, સાંગણીયા, તાવેડા, ઉમણીયાવદર ગામ એલર્ટ

ભાવનગર,તા.૨૯ : સમગ્ર સૌરાષ્ટ્ર પંથક સાથે ભાવનગર જિલ્લામાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ માટેની ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર જિલ્લાનો મુખ્ય જીવાદોરી સમાન શેત્રુંજી ડેમના ૫૯ દરવાજા ખોલવામાં આવ્યા છે. પાલિતાણા શેત્રુંજી ડેમના તમામ ૫૯ દરવાજા ૨ ફૂટ ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી ૧૫૩૪૦ ક્યુસેક પાણીની ધસમસતી આવક થઈ રહી છે. પાણીની આવકમાં વધારો થતાં ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી ૧૫૩૪૦ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ભાવનગરના મહુવા તાલુકાના મોટા ખુટવડા પાસેથી પસાર થતી માલણ નદી બે કાંઠે વહી રહી છે.

          ઉપરવાસમાંથી વરસાદી પાણીની આવક થવાથી માલણ ડેમ ઓવરફ્લો થયો છે. માલણ ડેમ ઓવરફ્લો થતાં ડેમના ઓટોમેટિક ૨૪ દરવાજા ખૂલી ગયા હતા. પાણીની આવક વધતા માલણ ડેમ પરથી ૩૧૩૧૭ કયુસેક પાણીનો પ્રવાહ પસાર થઇ રહ્યો છે. જળાશયની નીચાણવાળા આવેલ મહુવા તાલુકાના ૧૦ ગામોને એલર્ટ રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. માલણ ડેમ ઓવરફ્લો થતા ગોરસ, નાનાજાદરા, કુંભણ, લખુપરા, મહુવા, સાંગણીયા, તાવેડા, અને ઉમણીયાવદર ગામોને એલર્ટ રહેવા ચેતવણી આપી દેવાઈ છે.

           ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ગત મોડી રાત્રિથી ધોધમાર વરસાદની આગમન થયું હતું, વીજળીના કડાકા ભડાકા સાથે ૩ ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે મહુવામાં ૩ ઇંચ તેમજ જિલ્લાના વલભીપુર, જેસર અને શિહોર પંથકમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉમરાળા, ગારિયાધાર, પાલીતાણા અને તળાજા તાલુકાના પંથકમાં પણ ૧ ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. ભાવનગર શહેરમાં ધોધમાર વરસાદ દરમ્યાન કડાકા ભડાકા સાથે અનેક જગ્યાઓ પર વીજળી પડવાની ઘટના બની હતી. તો સાથે ભારે પવનના કારણે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા. જિલ્લાના અનેક તાલુકાઓમાં હજુ પણ ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. પરંતુ સારી વાત એ પણ છે કે શહેર અને જિલ્લામાં વરસાદ દરમ્યાન જાનહાનિનો એક પણ બનાવ બનવા પામ્યો નથી.

(7:35 pm IST)