Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમદાવાદના જમાલપુરની શિફા હોસ્પિટલના કોરોના દર્દીનો આપઘાત

ચોથા માળે આઈસીયુમાં દાખલ વેન્ટિલેટર પર હતા તબિયત સુધારતા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા

 

અમદાવાદઃ  શહેરમાં જમાલપુર ચાર રસ્તા પાસે આવેલી શીફા હોસ્પિટલમાં છેલ્લા 4 દિવસથી કોરોનાની સારવાર લઈ રહેલા વૃધ્ધે અગમ્ય કારણોસર હોસ્પિટલમાંથી છલાંગ લગાવી આપઘાત કરી લીધો. આ બનાવની જાણ થતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચીથે આપઘાતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 મળતી વિગત મુજબ 61 વર્ષના એન્ડ્રુસ રસિકલાલ મેકવાન પાંચ દિવસ પહેલા કોરોનાના લીધે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તે શિફા હોસ્પિટલમાં ચોથા માળ પરના આઇસીયુ વોર્ડમાં હતા. તેમને ઓક્સિજનની તકલીફ હોવાના લીધે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓને ત્યાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેઓની તબિયતમાં સુધારો થવાના લીધે તેમને આગામી દિવસોમાં ચોથા માળ પર આવેલા જનરલ વોર્ડમાં શિફ્ટ કરવાના હતા. તેમની આત્મહત્યાની તેમના પરિવારજનોને ખબર પણ ન હતી, પરિવારજનોનો હોસ્પિટલ પર તેવો આરોપ છે કે તેમણે આત્મહત્યા કરી હતી કે તેમને ધક્કો મારવામાં આવ્યો હતો તે કેવી રીતે ખબર પડે. પોલીસને આ કિસ્સામાં સઘન તપાસ કરવા પણ વિનંતી કરી છે.

જો તેઓએ આત્મહત્યા કરવી હોત તો તે પછી સાજા થવા માટે હોસ્પિટલમાં શું કામ દાખલ થયા હોત. તેથી પોલીસ જો પોસ્ટમોર્ટમ કરે તો કદાચ તેમાથી કોઈ વિગત બહાર આવે. હવે જે વ્યક્તિ સાજી થવાની તૈયારીમાં હોય અને આઇસીયુમાંથી જનરલ વોર્ડમાં શિફ્ટ થવાની હોય તે આત્મહત્યા શું કામ કરે તેવો સવાલ કુટુંબીજનો પૂછી રહ્યા છે.

 

(10:09 pm IST)