Gujarati News

Gujarati News

News of Saturday, 29th September 2018

કપડવંજના આંત્રોલી નજીક બાળકીને કિનારે મૂકી યુવતીએ અગમ્ય કારણોસર નર્મદામાં કૂદકો લગાવ્યો

કપડવંજ: તાલુકાના આંત્રોલી નજીક સિંગાલી રોડ પરથી પસાર થતી નર્મદા કેનાલમાં એક યુવતિએ ઝંપલાવી દીધું હતું. આની જાણ આજુબાજુના લોકોને થતાં તેઓ દોડી જતાં કિનારે એક પાંચ દિવસની બાળકીનો રડવાનો અવાજ સંભળાતા કેનાલમાં ઝંપલાવનાર યુવતિએ બાળકીને કિનારે મુકી પડતું મુક્યું હોવાનું દેખાઈ આવ્યું હતું. આતરસુંબા પોલીસને જાણ થતાં તેઓ ઘટનાસ્થળે દોડી જઈ યુવતિની લાશ બહાર કાઢી હતી અને બાળકીને નડિયાદ સિવિલમાં સારવાર માટે દાખલ કરી છે. મરનારે જ પોતાના કુખે જન્મેલી બાળકીને કિનારે મુકી ઝંપલાવ્યું હોવાનું પોલીસ માની રહી છે. જો કે જ્યાં સુધી મરનારની ઓળખ ના થાય ત્યાં સુધી આ અંગે કંઈ કહેવું યોગ્ય ના હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે. 

મળતી માહિતી મુજબ આજે સવારે ૮:૩૦ પહેલાં કપડવંજ તાલુકાના આતરસુંબા પોલીસ મથકની હદમાં આવેલ આંત્રોલી નજીક સિંગાલી જવાના માર્ગ પર નર્મદા કેનાલ પસાર થાય છે. આ કેનાલના પુલ ઉપર થી ૨૫-૩૦ વર્ષીય યુવતિએ કેનાલમાં પડતુ મૂક્યું હતું. ત્યાથી પસાર થનાર અને આજુબાજુના લોકોને જાણ થતાં તેઓ કેનાલ નજીક પહોંચી ગયા હતાં. તે વખતે કેનાલ નજીક એક બાળકીના રડવાનો અવાજ સંભળાતાં તે તરફ નજર કરતાં બાળકી બિનવારસી હાલતમાં નજરે પડી હતી. કેનાલમાં ઝંપલાવનાર યુવતિએ બાળકીને કેનાલના કિનારે મૂકી પડતુ મૂક્યું હોવાની શક્યતા તેજ બનતા આતરસુંબા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દોડી આવી હતી. અને સ્થાનિકોની મદદથી યુવતીની લાશને શોધીને બહાર કઢાવી હતી. યુવતિએ સાડી પહેરેલ છે. અને તેની ઉંમર ૨૫-૩૦ વર્ષ હોવાનો અંદાજ છે. સાડીના પહેરવેશ પરથી યુવતિ પરિણીત અને મધ્યમ ઘરની હોવાનું ફલિત થાય છે. પોલીસે યુવતિની લાશને પીએમ માટે મોકલી આપી હતી. જ્યારે બાળકીને સારવાર માટે નડિયાદ સિવિલમાં દાખલ કરી છે. તબીબોના મત મુજબ બાળકી પાંચેક દિવસની હોઈ શકે છે.

આ અંગે તપાસ કરનાર પીએસઆઈ એસ. એમ. પઠાણને પુછતાં તેમણે જણાવ્યું હતું કે મરનાર યુવતિ અંગે આજુબાજુના વિસ્તારમાં તપાસ કરાવી છે. પરંતુ કોઈ કડી મળી નથી. જિલ્લાના અન્ય પોલીસ મથકમાં ફોટા સાથે વિગતો મોકલી છે. પરંતુ હજી સુધી ઓળખ થઈ નથી. મરનાર યુવતિની ઓળખ થયાં બાદ વધુ માહિતી બહાર આવશે.

(6:36 pm IST)