Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સરખેજ મદરેસામાં બાળકીઓ પર સતામણીનો કેસ સપાટીએ

મુસ્લિમ સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો : સરખેજના મેમણ હોલ પાસે મદરેસાના સીસીટીવી ફુટેજ સામે આવ્યો : જાતિય સતામણી-અત્યાચારમાં ઉંડી તપાસ

અમદાવાદ,તા.૨૯ : શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરખેજમાં આવેલા એક શેલ્ટર હોમમાં બાળકીઓ પર અત્યાચાર થતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ખાસ કરીને  મુસ્લિમ સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે કારણ કે, જે શેલ્ટર હોમમાં આ બાળકીઓ પર અત્યાચાર ગુજારાયો છે, તે મદરેસાના સીસીટીવી ફુટેજ છે. સમગ્ર મુસ્લિમ સમાજમાં બાળકીઓ પર અત્યાચારને લઇ મદરેસાના સંચાલકો અને જવાબદારો વિરૂધ્ધ સખત કાર્યવાહી કરવા માંગણી ઉઠવા પામી છે. સરખેજમાં આવેલા શેલ્ટર હોમમાં સોહેબ સિદ્દીકી નામનો ગાર્ડ બાળકીઓને ઢોર માર મારી રહ્યો છે. જેમાં બાળકીઓને માર મારવામાં ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ જોરદાર ખળભળાટ મચી જવા પામ્યો છે. એટલું જ નહી, બાળકીઓ પર અત્યાચારની સાથે સાથે ખુદ શેલ્ટર હોમના ટ્રસ્ટીઓ દ્વારા શારીરિક અડપલા કર્યા હોવાના પણ આક્ષેપ પણ હવે સામે આવી રહ્યા છે., ત્યારે મામલો વધુ ગરમાયો છે. ખાસ કરીને મુસ્લિમ સમાજમાં ઉગ્ર આક્રોશ ભભૂકી ઉઠયો છે. ઉલ્લેખનીય છે કે,  યુપી અને બિહારમાં બનેલી ઘટના બાદ ગુજરાત સરકાર તરફથી ગુજરાતમાં આવેલા તમામ શેલ્ટર હોમની તપાસ કરવા માટે આદેશ અપાયા હતા. જેમાં તપાસ દરમ્યાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે, શેલ્ટર હોમની બાળકીઓને આવી બેરહમીથી માર મારતા આ વીડિયોમાં સોહેબ નામનો શખ્સ બાળકીઓને ક્યાંક લાતો મારી રહ્યો છે તો ક્યાકં આડેધડ લાફા મારી રહ્યો છે. બાળકીઓને નમાજ અને કચરો ન વાળતા માર મારવામાં આવ્યો હતો. આ સીસીટીવી સરખેજના મેમણ હોલ પાસે અલ ફઝલ મદરેસાના છે. મળતી માહિતી પ્રમાણે સરખેજના શેલ્ટર હોમના ટ્રસ્ટીઓ હાલ હજ પર ગયા છે. જો કે, બીજીબાજુ, મુસ્લિમ સમાજે આ સમગ્ર પ્રકરણમાં જવાબદાર તમામ લોકો સામે સખત કાર્યવાહી કરવા માંગ કરી છે.

 

(8:19 pm IST)