Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

હાર્દિક ઉપવાસ : હેરાનગતિ વિરૂદ્ધ હાઇકોર્ટમાં રિટ કરાઇ

પોલીસ સત્તા બહાર દાદાગીરી કરી રહ્યાનો આક્ષેપ : હાર્દિકને પોલીસ દ્વારા નજરકેદ કરાયો છે અને ઉપવાસના સ્થળે જીવનજરૂરી ચીજવસ્તુ પણ લઇ જવા દેવાતી નથી

અમદાવાદ, તા.૨૯ : પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરેલા હાર્દિક પટેલના શાંતિપૂર્ણ ઉપવાસ દરમ્યાન તંત્ર અને પોલીસ દ્વારા થઇ રહેલી હેરાનગતિ, દાદાગીરી અને રંજાડગતિને લઇ પાસના કન્વીરો તરફથી પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ રિટ અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં પાસના કન્વીનરો તરફથી તંત્ર અને પોલીસ પર ગંભીર આરોપ લગાવાયા હતા કે, હાર્દિકને પોલીસ તંત્ર દ્વારા નજરકેદ કરાયો છે અને ઉપવાસના સ્થળે જીવનજરૂરી ચીજવસ્તુઓ પણ લઇ જવા દેવાતી નથી. પાસની આ મહત્વની રિટ અરજીની વધુ સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી કરાયેલી રિટ અરજીમાં એ મતલબના મુદ્દા ઉપસ્થિત કરાયા હતા કે, પાસના કન્વીનર અને પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ દ્વારા પાટીદારોને અનામત અને રાજયના ખેડૂતોને દેવામાફીની માંગણી સાથે આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે. હાર્દિક ખૂબ જ શાંતિપૂર્ણ રીતે આ ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે, તેમછતાં પોલીસ અને તંત્ર દ્વારા હાર્દિકના ઉપવાસ  સ્થળે તેને મળવા આવતા, તેની ખબર અંતર પૂછવા આવતા સગાવ્હાલા, પરિચિતો કે મિત્રવર્તુળ સહિતના તમામ લોકોને પોલીસ ખોટી રીતે આંતરીને હેરાન કરી રહી છે અને પોતાના અધિકાર કે સત્તા બહાર જઇ ગેરકાયદે રીતે મુલાકાતીઓને હાર્દિકને મળવાથી રોકી રહી છે. પોલીસ આ પ્રકારે હાર્દિકને મળવાથી કોઇને રોકી શકે નહી, કાયદામાં આવી કોઇ જોગવાઇ કે પોલીસને સત્તા પણ નથી. વળી, હાર્દિકના ઉપવાસ સ્થળે દૂધ, પીવાનું પાણી, શાકભાજી સહિતની જીવન જરૂરી ચીજવસ્તુઓ પણ લઇ જવા દેવામાં આવતી નથી. એટલું જ નહી, સીસીટીવીથી સજ્જ પોલીસ વાન અને ગાડીઓ મારફતે હાર્દિકના ઉપવાસ સ્થળ અને તેને મળવા આવતાં તમામ લોકોનુ મોનીટરીંગ કરાઇ રહ્યું છે, જે બિલકુલ ગેરકાયદે અને કાયદાના ભંગ સમાન છે. પોલીસ અને તંત્ર દ્વારા એક રીતે હાર્દિક પટેલને નજરકેદમાં રાખવામાં આવ્યો છે અને તેની એકેએક હરકત કે ગતિવિધિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે કે જયારે હાર્દિક પટેલ એક જાહેરહિતના હેતુ માટે ઉપવાસ પર બેઠા છે, નહી કે, પોતાના અંગત સ્વાર્થ કે હેતુ માટે. સરકાર, પોલીસ અને તંત્ર એકબીજાના મેળાપીપણામાં હાર્દિકના ઉપવાસ આંદોલનને સફળ નહી થવા દેવા માટે ગંભીર ષડયંત્ર રચી રહ્યા હોય તેવું આ બધી વાતો પરથી લાગી રહ્યું છે, આ સંજોગોમાં હાઇકોર્ટે સમગ્ર મામલામાં દરમ્યાનગીરી કરી સરકાર અને તંત્રને જરૂરી હુકમો કરવા જોઇએ. રિટ અરજીમાં હાર્દિકના ઉપવાસ સ્થળે તેને મળવા આવતા કોઇપણ લોકોને અટકાવાય નહી અને તેમને રોકાય નહી તેમ જ જીવન જરૂરી ચીજવસ્તુઓ લઇ જવાની પરવાનગી આપવા સહિતની દાદ માંગવામાં આવી હતી. અરજદારપક્ષ તરફથી કેસની ગંભીરતા ધ્યાને લઇ અરજન્ટ હીયરીંગની માંગ કરાઇ હતી. જો કે, હવે આવતીકાલે આ અરજીની સુનાવણી નીકળે તેવી શકયતા છે.

(7:16 pm IST)