Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ભરૂચમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડતા ભારે પથ્થરમારો થતા પોલીસે રાઉન્ડ ફાયરિંગ કર્યું

ભરૃચ: તાલુકાના અતિ સંવેદનશીલ ટંકારીયા ગામે ધમધમતા જુગારના અડ્ડા પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પોલીસ કાફલા સાથે રેડ કરતા સ્થાનિક રહીશોએ પોલીસની ટીમ પર ભારે પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારાના પગલે પોલીસે હવામાં ૩ રાઊન્ડ ફાયરીંગ કર્યું હતું. પોલીસે દસ જુગારીયાઓની ધરપકડ કરી હતી.

ભરૃચના ટંકારીયા ખાતે ચાલતા જુગારના અડ્ડા બંધ કરાવવા પોલીસે કાર્યવાહી હાથ ધરતા અગાઉ ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને લોકલ બ્રાન્ચે ૨૦ થી ૨૫ પોલીસકર્મીઓ અને અધિકારીઓનો કાફલો સાથે રાખી બિલાલને ત્યાં રેડ કરી હતી.

પોલીસે રેડ પાડતા જ સ્થાનિક રહીશોએ પોલીસ ઉપર ભારે પથ્થરમારો શરૃ કર્યો હતો. જેથી વાતાવરણ તંગ બની ગયું હતું. પરિણામે સ્થિતિ પર કાબૂ મેળવવા પોલીસે આખરે હવામાં ૩ રાઉન્ડ ફાયરીંગ કરતા નાસભાગ મચી ગઇ હતી. જોકે સ્થિતિ કાબૂમાં આવતા એલસીબીએ દસ જેટલા જુગારીયા પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:19 pm IST)