Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કપડવંજ: જુદા-જુદા ત્રણ વિસ્તારમાંથી પોલીસે તીન પતિનો જુગાર રમતા 35 શકુનિઓને ઝડપ્યા

મહુધા, કપડવંજ, કઠલાલ અને આંતરસુબા પોલીસે જુદા જુદા છ સ્થળોએ દરોડો પાડી તીન પત્તીનો જુગાર રમતા ૩૫ ઈસમોને ઝડપી પાડ્યા હતા. આ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

મહુધા:પોલીસે સાસ્તાપુર ગામના પાટીયાથી કૈયજ સીમ વિસ્તારમાં આવેલ નહેરની બાજુમાં ખુલ્લામાં દરોડો પાડ્યો હતો. આ રેઈડ દરમ્યાન પત્તા - પાનાનો જુગાર રમતા ઘનશ્યામભાઈ કનુભાઈ બીન ચતુરભાઈ પટેલ, અશોકભાઈ ઉર્ફે ગણપત હરમાનભાઈ બીન નાનદાસભાઈ પટેલ, (રે. અલીણા)ને ઝડપી પાડીને તેઓની અંગજડતીમાંથી રોકડા રૂ. ૧૧,૧૦૦ દાવ ઉપરથી રોકડા રૂ. ૩૦૦ મળી કુલ રૂ. ૧૧,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યા હતા. 
મહુધા પોલીસે ફીણાવથી ડાભીની મુવાડી તરફ જવાના રોડ ઉપર સાકા તલાવડીના કિનારે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગાર ઉપર દરોડો પાડી પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતાં મહેબુબહુશેન ઉર્ફે બોબી અહેમદમીયાં મલેક, અલ્તાફહુશેન ગુલામનબી મલેક, મોહંમદ તન્વીર, સાબીર હુશેન મલેક, બશીર મહંમદ મુર્તુજીમીયાં મલેક, વિક્રમભાઈ દેવાભાઈ ડાભી, રણજીતભાઈ કનુભાઈ રાજપૂત તથા પરેશભાઈ અશોકભાઈ વ્યાસને ઝડપી પાડ્યા હતા. પોલીસે દાવ ઉપરથી રૂ. ૬૮૦૦ રોકડા, અંગ જડતીમાં રૂ. ૯૬૭૬૦ તેમજ મોબાઈલ નં. ૮ રૂ. ૧૬૨૦૦ તથા બેટરી નં. ૧, એલઈડી લાઈટ મળી કુલ રૂ. ૧,૧૯,૯૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં જુગાર ચલાવતા જાવેદ હુશેન નજીર હુશેન મલેક ઝડપાઈ ગયો હતો. જ્યારે નાસીર હુશેન મલેક નાસી ગયો હતો. આ બંને બનાવ અંગે મહુધા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. કપડવંજ ટાઉન પોલીસે કપડવંજ સુતરીયા ફળિયામાં ચાલતા જુગારધામ ઉપર દરોડો પાડી હારજીતનો પત્તા - પાનાનો શ્રાવણીયો જુગાર રમતા છ જણાંને ઝડપી પાડ્યા હતા. જેમાં ચિરાગભાઈ ચીમનભાઈ રામી, ભાવિન અરવિંદભાઈ સોની સહિત અન્ય ચાર જણાંનો સમાવેશ થાય છે. પોલીસે દાવ ઉપરથી રૂ. ૧૬૨૭૦ તથા મોબાઈલ નં. ૭ રૂ. ૧૬૦૦૦ મળી કુલ રૂ. ૩૨૨૭૦નો મુદ્દામાલ, જુગાર રમવાના સાધનો કબજે કર્યા હતા. આ બનાવ અંગે કપડવંજ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. ચોથા દરોડામાં કઠલાલ પોલીસે જમણી ગામે દરોડો પાડતા શ્રાવણીયો જુગાર રમતા લાલાભાઈ ભૂપતભાઈ બારૈયા, દિનેશભાઈ મંગળભાઈ સોલંકી સહિત પાંચ જણાંને જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂ. ૨૯૫૫ સાથે ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત કઠલાલમાં જુગારનો દરોડો પાડી પોલીસે જુગાર રમતા છ જણાંને રૂ. ૨૭,૨૦૦ રોકડા સાથે ઝડપી પાડ્યા હતા. આ બંને બનાવ અંગે કઠલાલ પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આંતરસુબા પોલીસે આંતરોલી સીમમાં મદારીવાડ વિસ્તારમાં દરોડો પાડી પત્તા - પાનાનો જુગાર રમતા સાત ઈસમોને જુગાર રમવાના સાધનો તથા રોકડા રૂ. ૩૦,૨૦૦ સાથે ઝડપી પાડ્યા હતા. આ બનાવ અંગે આંતરસુબા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(5:17 pm IST)