Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સરકાર શોધે છે 'બાણ', જિલ્લા પંચાયતમાં 'વિસર્જન' એ જ 'કલ્યાણ': શુક્રવાર પર મીટ

મુખ્યમંત્રીનું સપનું 'અધુરુ' રહે તેમ હોય તો ચૂંટાયેલી પાંખનું 'પુરુ' કરી દેવાની ચર્ચા : સામાન્ય સભામાં કારોબારી-બાંધકામ સમિતિની સતા પાછી ખેચતો ઠરાવ થાય તો વિકાસ કમિશનર દ્વારા ઠરાવનો અમલ રોકવાની બાગીઓની તજવીજઃ ગાંધીનગરમાં ગહન ચર્ચા

રાજકોટ તા.૨૯: જિલ્લા પંચાયતમાં શુક્રવારે સવારે ૧૦ વાગ્યે કારોબારી બેઠક અને ૧૦:૩૦ વાગ્યે સામાન્ય સભા બોલાવવામાં આવી છે. બન્ને જુથના બળાબળના પારખા હોવાથી રાજકીય ગરમાવો વધી રહયો છે. એક જુથને કારોબારી રોકાય તેમાં રસ છે. બીજા જુથને સામાન્ય સભામાં સતા પાછી ખેચવાનો ઠરાવ અટકે તેમાં રસ છે. બધી ગડમથલ વચ્ચે પંચાયત સુપરસીડનો રસ્તો ખુલી રહયો છે. ગઇકાલે ભાજપ અને બાગી જુથના અગ્રણીઓએ ગાંધીનગરમાં ઉચ્ચ શાસકોની મુલાકાત લીધી ત્યારે આ મુદ્દો ચર્ચામાં હતો. જિલ્લા પંચાયતમાં (ભાજપનું શાસન સ્થાપવાનું મુખ્યમંત્રીનું સપનું પુરુ, થાય તેમ ન હોય તો ચૂંટાયેલી પાંખને ઘરે બેસાડી દેવા સુધીની વિચારણા થઇ રહી છે. સામાન્ય સભા જેવા પ્રસંગોથી ેતનો તખ્તો તૈયાર કરવાની વિચારણા થઇ હતી.

શાસક કોંગી જુથ સામાન્ય સભામાં ઠરાવ કરવામાં કોઇ કાયદાકીય ભુલ કરે તો તેને મુદ્દો બનાવી સરકાર આગળ વધવા માંગે છે. સામાન્ય સભાના ઠરાવથી સમિતિની સતા પાછી ખેંચી શકાય કે નહિ? તે મોટો સવાલ છે. ઠરાવ મુકવા માટે દરખાસ્ત કરનાર અને ટેકો આપનારનો નામ ઉલ્લેખ જરૂરી છે.

પંચાયત સુપરસીડ કરવાનું કામ સરળ નથી તેથી ભવિષ્યમાં સુપરસીડ કરવાની જરૂર પડે તો તે વખતે તેને વ્યાજબી ઠેરવી શકાય અને કાનુની રીતે પાછુ ન પડવું પડે તેવો માહોલ અત્યારથી જ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ભાજપે હવે સંખ્યાબળમાં પડવાના બદલે સરકારની મદદથી કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરવાનો વ્યુહ અપનાવ્યો છે.

ભાજપની ઇચ્છા મુજબ શાસન ચાલી શકે તેમ ન હોય તો વાતાવરણ ડહોળીને સુપરસીડનો અંતિમ વિકલ્પ અપનાવાય તેવી શકયતા ડોકાઇ રહી છે. મધ્યસત્રી ચૂંટણી પુર્વે વહીવટદાર દ્વારા ' પ્રભાવક' વહીવટ કરાવી ફાયદો મેળવવા સુધીની ભાજપની તેૈયારી છે. હાલ બધુ જો અને તો આધારિત છેે છતા પંચાયતના મામલે રાજકોટથી ગાંધીનગર સુધી ગમે ત્યારે વરસે એવા રાજકીય વાદળો બંધાઇ રહયા છે.(૧.૩૦)

(4:02 pm IST)