Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમદાવાદના શિવાનંદ આશ્રમે શનિવારથી ડો.કૃષ્ણકુમાર શાસ્ત્રીના વ્યાસાસને ભાગવત કથા

વ્યસનમુકિત, ભૃણહત્યા, જીવદયા, દહેજ પ્રથા વિ. વિષયો પણ આવરી લેવાશે

રાજકોટ, તા. ૨૯ : પવિત્ર શ્રાવણ માસમાં અમદાવાદમાં સેટેલાઈટ રોડ પર જોધપુર ટેકરી ખાતે શિવાનંદ આશ્રમમાં દિવ્ય જીવન સંસ્કૃતિક સંઘ દ્વારા પૂ.સ્વામી શ્રી અધ્યાત્માનંદજી મહારાજના શુભાશિષથી તા.૧ થી તા.૮ સપ્ટેમ્બર સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું પાવન આયોજન થયુ છે.

જેના વ્યાસાસને ભાગવતાચાર્ય ડો.કૃષ્ણકુમાર મનહરલાલજી મહારાજ બિરાજી રસપ્રદ સંગીતમય શૈલીમાં કથામૃતનું રસપાન કરાવશે. શિવાનંદ આશ્રમમાં ગુજરાતના અનન્ય અને અજોડ એવા અષ્ટલક્ષ્મીજીના ભવ્ય મંદિરનું નિર્માણ થયુ છે. આ દિવ્ય દર્શનીય દેવસ્થાનના વિશાળ સભાખંડમાં આયોજીત ભાગવત કથાનો સમય પ્રતિદિન સાંજે ૪ થી ૭:૧૫નો રહેશે.શનિવાર તા.૧ના રોજ કથાનો પ્રારંભ થશે. કથામાં તા.૩ને સોમવારે સતી ચરિત્ર, ધ્રુવચરિત્ર, મંગળવાર તા.૪ના રોજ નામમહિમા, નૃસિંહ પ્રાગટ્યના પ્રસંગોનું વર્ણન આવશે. બુધવારે તા.૫ના રોજ વામનજન્મ, રામજન્મ, કૃષ્ણજન્મ - ભવ્ય નંદમહોત્સવ ઉજવાશે. શુક્રવાર તા૭ના રોજ રૂક્ષ્મણીવિવાહ તેમજ સુદામા ચરિત્રનું વર્ણન થશે. શનિવાર તા.૮ના રોજ કથાની પૂર્ણાહૂતિ થશે. ડો.કૃષ્ણકુમાર શાસ્ત્રી ભગવત કથામાં વ્યસનમુકિત, ભૃણહત્યા, જીવદયા, દહેજપ્રથા, કન્યા કેળવણી, રાષ્ટ્રપ્રેમ, પર્યાવરણ વગેરે વિષયોને આવરી લઈને લોકજાગૃતિ તથા લોકશિક્ષણનો સંદેશો રજૂ કરશે અને બ્રહ્મલીન ભગવતાચાર્યશ્રી મનહરલાલજી મહારાજની શાસ્ત્રોકત શુદ્ધ કથા - મુળ કથાની ત્રણ પેઢીની પરંપરાને અનુસરવાનો નમ્રપ્રયાસ કરશે. તેમ ગીતા વિદ્યાલય પરીવારની યાદીમાં જણાવાયું છે.

(3:57 pm IST)