Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

અમદાવાદ કેમીસ્ટ એસો.ના હોદ્દેદારો વચ્ચેના ખટરાગે રીટેલ ધંધાની પાળ પીટી?!

કેમીસ્ટ એસો.ના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવા સપ્લાય કરતા હોવાની ચર્ચા!

રાજકોટ તા.૨૯: તાજેતરમાં અમદાવાદના કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો. દ્વારા દવાનું ઓનલાઇન વેચાણ કરતી ફાર્મસીની વિરૂધ્ધમાં દવાબજાર બંધ રાખવામાં આવી હતી. બંધ રાખવાના કારણોમાં ઓનલાઇન ફાર્મસી દ્વારા રીટેલ મેડીકલ સ્ટોર્સ કરતા સસ્તા ભાવે દવાઓ અપાતી હોય, જેને લીધી રીટેલ બિઝનેસને ફટકો પડતો હોવાનું જણાવાયું હોવાની ચર્ચા છે.

પરંતુ દવા બજારમાં કર્ણોપકર્ણ સંભળાતી વાતો કંઇક અલગ જ ઇશારો કરી રહી છે.

ઓનલાઇન ફાર્મસીને કારણે સેંકડો રીટેલર્સ ઉપર નકારાત્મક અસર પડી રહી છે ત્યારે વૃષભ રાશીનું ભગવાનધારી નામ ધરાવતા અમદાવાદ કેમીસ્ટના એક હોદ્દેદાર તથા મકર રાશીનું જસધારી નામ ધરાવતા એસો.ના એક પુર્વ પ્રમુખ-હોદ્દેદાર વચ્ચે ચાલતો ખટરાગ ચરમસીમાએ હોવાનું જાણવા મળી રહયું છે. આ મતભેદ અને ' સતા સાધના' ને કારણે તથા અમુક સંજોગોમાં રૂપિયાની લાલચને કારણે અમદાવાદ કેમીસ્ટ એસો.ના હોદ્દેદારો જ ઓનલાઇન ફાર્મસીને દવા સપ્લાય કરી રહયાનું સંભળાઇ રહયું છે.

એક જુથના સમર્થકો તેઓની વિરૂધ્ધ જુથના સમર્થકો- દવાના ધંધાર્થીઓના નામ સાથે પુરાવા આપી રહયા છે કે કોણ-કોણ લોકો પોતાની પેઢી માંથી ઓનલાઇન ફાર્મસીને દવા સપ્લાય કરી રહયા છે. એવો પણ નિચોડ નિકળી રહયો છે કે હોલસેલ દ્વારા ઓનલાઇન ફાર્મસીને આપવામાં આવેલા માલને કારણે રીટેલ કેમીસ્ટસના વેપારમાં ૩૦ ટકા જેટલું ગાબડું પડી ગયું છે. સમગ્ર ગુજરાતમાં આશરે ૨૬ હજાર જેટલા કેમીસ્ટસ પ્રભાવિત બન્યા છે.

અમદાવાદ કેમીસ્ટ એસો.ના સેક્રેટરી યોગેશ પટેલે ગેર વ્યાજબી સ્પર્ધાને નુકશાનકારક ગણાવી હતી. ભુતકાળમાં પણ રાજકોટ સહિત વિવિધ જગ્યાએ અને શહેરોમાં ઓનલાઇન ફાર્મસીના વિરોધમાં દવા-બજાર બંધનું એલાન અપાયું હતું.

આ એલાન સંદર્ભે ઓનલાઇન ફાર્મસી દ્વારા વેચાતી દવાઓ ડુપ્લીકેટ તથા બિન વિશ્વાસપાત્ર હોવાની સંભાવના પણ જે-તે સમયે કેમીસ્ટ એસો.ના હોદ્દેદારો દ્વારા દર્શાવવામાં આવી હતી.

અમદાવાદ કેમીસ્ટ એસો.ના પ્રમુખે ઓનલાઇન ફાર્મસીને દવા સપ્લાય કરનાર પેઢી સામે પગલાં ન લીધા હોવાનો પણ આક્ષેપ કરાઇ રહયો છે.(૧.૨)

(11:47 am IST)