Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

સોસાયટીઓનું રિ-ડેવલોપમેન્ટ કરવા નવી પોલિસી ટૂંક સમયમાં

મહારાષ્ટ્ર - કર્ણાટક પેટર્ન ઉપર ગુજરાતમાં નવી નીતિ તૈયાર થશેઃ હવે, જૂની-જોખમકારક ઇમારતો માટે નોટીસો આપીને ચેતવણીઓ આપવી પૂરતી નથી : આ માટે નવી નીતિ જાહેર કરીને નવા બાંધકામ માટે પ્રોત્સાહનો અપાશે

અમદાવાદ તા. ૨૯ : રાજય સરકારે નવેસરથી રિ-ડેવલપમેન્ટ પોલિસી બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને સરકારે મહારાષ્ટ્ર-કર્ણાટક જેવા બે રાજયોની હયાત પોલિસીનો અભ્યાસ કર્યો છે. નવી નીતિમાં સરકાર એવી જોગવાઈઓ કરવાની દિશામાં આગળ વધી રહી છે કે, રાજયમાં હવેથી ૨૦ વર્ષ જૂના રહેણાંક કે કોમર્શિયલ મકાનો, સોસાયટીઓ, બિલ્ડીંગો કે ઈમારતો તોડીને તેના સ્થાને નવી બહુમાળી ઈમારતો બનાવી શકાશે. જેમાં વધુ એફએસઆઈ પણ આપી શકાશે. આ નીતિનો લાભ લેવા માટે જે તે મકાનોના ૬૦ ટકા ધારકોની સહમતિને આવશ્યક બનાવાય તેવી સંભાવના છે. આ નીતિમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જૂના મકાનો, જૂની સરકારી ઈમારતો, જૂની સોસાયટીઓ, જૂના ફલેટ કે મકાનોને સમાવી લેવા કવાયત આરંભાઈ છે.

અમદાવાદ સહિતના ૮ મહાનગરો અને અન્ય શહેરોમાં પણ સંખ્યાબંધ ઈમારતો જૂની અથવા તો જર્જરિત કક્ષામાં મૂકી શકાય તેવી થઈ ગઈ છે. ભારે વરસાદ, વાવાઝોડા કે ભૂકંપ જેવી કુદરતી આપત્તિમાં આવા મકાનો કે ઈમારતો જોખમકારક સાબિત થઈ રહી છે. નગરપાલિકાઓ-પંચાયતો જેવી જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ આવી જર્જરિત ઈમારતોના ધારકોને સતત નોટિસો આપીને તેમાં વસવાટ ન કરવા ચેતવણીઓ આપે છે પરંતુ તે પૂરતી સાબિત થતી નથી. આવી પરિસ્થિતિમાં રાજય સરકાર પોતે આગળ વધીને રિ-ડેવલપમેન્ટ (પુનઃ વિકાસ)ની નવી નીતિ અમલમાં તૈયાર થઈ છે.

હાલમાં દેશના મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા રાજયોમાં રિ-ડેવલપમેન્ટ પોલિસી અમલ છે ત્યારે તેની જોગવાઈઓ, તેના અમલીકરણ માટેના નિયમો ઉપરાંત ગુજરાતના સંદર્ભમાં તેમાં પડનારી સંભવિત તકલીફો બાબતે રાજય સરકારના સિનિયર આઈએએસ કક્ષાના અધિકારીએ અભ્યાસ કરીને આવી નવી નીતિ ગુજરાતમાં પણ અમલમાં મૂકવા અંગે લીલીઝંડી આપી છે. ભૂતકાળના વર્ષેમાં આવી નીતિ લાવવા બાબતે પૂર્વ મહેસુલ મંત્રી તરીકે આનંદીબેન પટેલે વિચાર કર્યો હતો. એક તબક્કે તો ડ્રાફટ પણ તૈયાર કરી દેવાયો હતો પરંતુ જે તે કારણોસર તે નીતિ જાહેર કરી શકાઈ ન હતી. હવે નવેસરથી સરકારે આ દિશામાં આગેકૂચ કરી છે. નજીક સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત, રાજય સરકાર તરફથી કરવામાં આવે તેવી શકયતા નકારી શકાતી નથી.

રાજય સરકાર માને છે કે, હાલને તબક્કે ૨૦ વર્ષ કે તેથી વધુ જૂના મકાનો કે ઈમારતો જોખમકારક બની રહી છે તેવી સ્થિતિમાં રિ-ડેવલપેમેન્ટ પોલિસી હેઠળ નવેસરથી બહુમાળી ઈમારત બને તો તેનાથી નાગરિકો માટે ઉભા થયેલા જોખમને પણ નાબૂદ કરી શકાશે.(૨૧.૧૦)

નવી નીતિમાં કઇ જોગવાઇઓ મુખ્ય હશે?

.   વર્ષ ૧૯૯૮ બાદ અર્થાત ૨૦ વર્ષ અગાઉ કોઈ ઈમારત બની હશે અને યોગ્ય જાળવણી થતી નહીં હોય તો તેને નવી નીતિ હેઠળ આવરી લેવાશે.

.   રિ-ડેવલપમેન્ટ પોલિસીના અમલ માટે જે તે સોસાયટી, ફલેટ કે મકાનોના ૬૦ ટકા ધારકોની સહમતિને આવશ્યક માની લેવાય તેવી સંભાવના છે.

.   હાલ રેરાના કાયદા હેઠળ આવી મંજૂરી અપાય છે પણ તેમાં સંભવતૅં ૭૫ ટકા જેટલા મકાનધારકોની પરવાનગી જરૂરી હોય છે.

.   નવી રિ-ડેવલપેમેન્ટ પોલિસી હેઠળ જે તે સોસાયટી કે ફલેટને મંજૂરી અપાયા બાદ મકાન-ધારકોને તેમની હયાત જગ્યા કરતાં ૧૦ ટકા જગ્યા વધુ અપાશે.

.   ૨૦ વર્ષ જૂના મકાનો, ફલેટો તોડીને તેના સ્થાને બહુમાળી મકાનો કે ટાવર બનાવવા માટે વિકાસકારને વધુ એફએસઆઈ અપાશે કે, અન્ય વેચાણપાત્ર એફએસઆઈ પણ મળે તે બાબતે વિચારાઈ રહ્યું છે.

 

(11:45 am IST)