Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફ કરવાની માંગ સાથે

હાર્દિકના ઉપવાસનો પાંચમો દિવસઃ તબીયતને અસર

યુરીન ઇન્ફેકશન વધ્યું : હોસ્પિટલમાં દાખલ : સુરત, પાલનપુર, સાબરકાંઠા સહિતના સ્થળોએ પાટીદારો અને ખેડૂતોના ઉપવાસ

રાજકોટ તા. ૨૯ : પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે પાંચમો દિવસ છે. હાર્દિકની તબિયત ઉપવાસને કારણે અસર થઇ છે. તબીબોએ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થવાની સલાહ આપી છે.  આમરણાંત ઉપવાસના પાંચમા દિવસે પાટીદાર અનામત આંદોલન સમિતિના સ્થાપક હાર્દિક પટેલની શારીરિક હાલત બગડી છે. ડોકટરોએ હાર્દિકને હોસ્પિટલમાં દાખલ થવા માટે સલાહ આપી છે, પરંતુ હાર્દિક પટેલ ઉપવાસ ચાલુ રાખવા મક્કમ છે. પાંચમાં દિવસે હાર્દિકની શારીરિક હાલત લથડી છે. સતત ઉપવાસને કારણે હાર્દિક પટેલ પોતાની મેળે ઉઠીને ચાલી નથી શકતો. આજે હાર્દિકની મુલાકાત લેવા માટે સસ્પેન્ડેડ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ આવી પહોંચશે.

બુધવારે પણ હાર્દિક પટેલના ઘર બહાર મોટી સંખ્યામાં પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. હાર્દિકના ઘરમાં પ્રવેશતી તમામ ગાડીઓની તપાસ કરવામાં આવી રહી છે. આક્ષેપ છે કે પોલીસ અમુક લોકોને જ હાર્દિકના ઘરે પ્રવેશ આપી રહી છે, મોટી સંખ્યામાં આવતા લોકોને અહીંથી ભગાડવામાં આવી રહ્યા છે.

ગઇકાલે હાર્દિક પટેલનું બે વખત મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલનું યુરિન સેમ્પલ લેવામાં આવ્યું હતું. સોલા સિવિલના ડોકટરોએ રિપોર્ટ બાદ હાર્દિકનું યુરિન ઇન્ફેકશન વધ્યું હોવાની વાત કહી હતી તેમજ તેને વધારેમાં વધારે લિકિવડ લેવાની સલાહ આપી હતી. એટલું જ નહીં ડોકટરોએ તેને હોસ્પિટલમાં દાખલ થવાની સલાહ પણ આપી હતી.

ગઇકાલે એનસીપીના નેતા પ્રફુલ પટેલે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરીને એનસીપીનું સમર્થન જાહેર કર્યું હતું. આ સમયે પ્રફુલ પટેલે સરકાર અને પોલીસ તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા.

અનામત અને ખેડૂતોના દેવામાફી સાથે શરૂ થયેલા આંદોલન હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહ્યું છે કેમકે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદો ઉપરાંત પૂર્વ રેલ મંત્રી દિનેશ ત્રિવેદી, પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રફુલ પટેલ, રાજસ્થાનના ગુર્જર નેતાઓ ઉપરાંત અન્ય રાજ્યમાંથી રાજકીય, સામાજીક આગેવાનો હાર્દિકને મળી આંદોલનને સમર્થન આપી રહ્યા છે. આજે બિહારના પૂર્વ મુખ્યમંત્રીના પુત્ર તેજસ્વી પ્રસાદ યાદવ હાર્દિક પટેલની મુલાકાત કરી શકે છે.(૨૧.૧૬)

(11:44 am IST)