Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

પંચાયતો સહિત સમગ્ર ગુજરાતને ઓનલાઈન બિનખેતી પ્રક્રિયામાં આવરી લેવાશે, નાણા ભરવાનું કામ ઝડપી બનાવાશે

ભ્રષ્ટાચારની નાભિમાં સરકારનું બાણઃ મહેસુલ મંત્રી કૌશિક પટેલની 'અકિલા' સાથે વાતચીત

રાજકોટ, તા. ૨૯ :. રાજ્ય સરકારે બિનખેતી પ્રક્રિયા ઓનલાઈન કરવાનો કાર્યક્રમ હાથ પર લીધો છે. ૧૫ ઓગષ્ટથી તેના શ્રીગણેશ થઈ ગયા છે. આવતા દિવસોમાં સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવામાં આવશે.  બિનખેતી હુકમ પછી રૂપાંતર કર સહિતની રકમ ભરવામાં થતો વિલંબ નિવારવા સરકારે એસ.બી.આઈ. અને તિજોરી કચેરીના વ્યવસ્થાપકો સાથે શરૂ કરી છે. સરકારની કલ્પના મુજબ બિનખેતી પ્રક્રિયા થાય તો ભ્રષ્ટાચારની નાભિમાં બાણ લાગી જશે અને પ્રક્રિયા ઝડપી બનશે જ્યાં વહીવટી તંત્ર અને તાલુકા-જિલ્લા પંચાયતોની કારોબારી સમિતિઓ દ્વારા બિનખેતીનો ભ્રષ્ટાચાર થાય છે ત્યાં તેને સજ્જડ બ્રેક લાગી જશે. ટૂંક સમયમાં કલેકટર સહિતના સબંધિત અધિકારીઓ માટે નવી પદ્ધતિનો તાલીમ વર્ગ યોજાશે.

રાજ્યના મહેસુલ મંત્રી શ્રી કૌશિક પટેલે આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે બિનખેતી ઓનલાઈનનો પાઈલોટ પ્રોજેકટ હાલ અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં શરૂ કરેલ છે.

જેમાં આઠેક કેસ મંજુર થયા છે. બે જિલ્લાના અનુભવના આધારે જરૂરી સુધારા-વધારા કરી એકાદ મહિનામાં તમામ જિલ્લાઓમાં ઓનલાઈન પ્રક્રિયા શરૂ કરવાની સરકારની કલ્પના છે. ભવિષ્યમાં પંચાયતોના કાર્યક્ષેત્રમાં પણ આ જ પદ્ધતિ લાગુ કરવામાં આવશે. સરકાર જરૂર પડે તો નિયમો અને કાયદામાં ફેરફાર કરવા તૈયાર છે. હાલ બિનખેતીની સૈદ્ધાંતિક મંજુરી પછી એસ.બી.આઈ. મારફત નાણા ભરવાની વ્યવસ્થા છે તે નાણા જમા થતા ઘણો સમય લાગે છે તેથી આર.ટી.જી.એસ. જેવી વ્યવસ્થા ગોઠવવા માટે સરકાર પ્રયત્નશીલ છે. બિનખેતીની અરજી વખતથી માંડી વિધિવત હુકમ સુધીની સમગ્ર પ્રક્રિયાને સરકાર ઝડપી અને સંપૂર્ણ પારદર્શક બનાવવા તરફ આગળ વધી રહી છે.(૨-૮)

(11:43 am IST)