Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

કોંગ્રેસ ઓબીસીમાંથી અનામત આપવા માગે છે કે કેમ?: વલણ સ્પષ્ટ કરે : જીતુભાઈ વાઘાણી

કોંગી આવેદનપત્રમાં અનામતનો ઉલ્લેખ જ નથીઃ કોંગ્રેસ તેના મળતિયાઓ સાથે મળી રાજ્યમાં વર્ગવિગ્રહ, તોફાન થાય તેવા પ્રકારની મેલી મુરાદો ધરાવે છે : વાઘાણી

અમદાવાદ,તા.૨૮: પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા મહામહિમ રાજ્યપાલને જે આવેદનપત્ર આપવામાં આવેલ છે તે બાબતે ગુજરાતની જનતા અને સમાજના તમામ વર્ગના લોકોને સાચી હકીકતથી માહિતગાર કરવા તે અમારી નૈતિક ફરજ છે. કોંગ્રેસે આપેલા ૮ પાનાના નિવેદનમાં અનામતનો ક્યાંય ઉલ્લેખ સુધ્ધાં નથી. કોંગ્રેસના ટેકાથી ગુજરાતની શાંતિ ડહોળવા માટે હવાતિયા મારતા કેટલાક લોકો જે શરૂઆતમાં તમામ જગ્યાએ ઓબીસીમાંથી અનામત આપવાની માંગણી કરી રહ્યા હતા અને ઓબીસીમાંથી જ અમને અનામત આપો તેનાથી ઓછું કાંઇ ના ખપે તેવી વાતો કરનારાઓ આજે હવે અનામતનો અ પણ ના ઉચ્ચારે તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોંગ્રેસ અને તેના મળતીયાઓએ માત્રને માત્ર પોતાની રાજકીય મહત્વકાંક્ષાઓ સંતોષવા માટે આજથી ત્રણ વર્ષ પહેલા ગુજરાતને બાનમાં લીધુ હતું અને આજે પણ ગુજરાતની શાંતિ-સલામતિ ડહોળવાના હીન પ્રયાસો કરી રહ્યા છે, જે ગુજરાતની જનતા ક્યારેય સાંખી નહી લે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે જે આવેદનપત્ર આપ્યુ છે તેમાં માત્રને માત્ર ખેડૂતો અને યુવાનો વિશે બેબૂનિયાદ વાતો કરી છે. ત્યારે મારે કહેવું છે કે, ૧૯૯૫ પહેલાના ગુજરાતમાં કોંગ્રેસના શાસન વખતે ગુજરાતના ખેડૂતો કે ગામડાની કેવી સ્થિતિ હતી ? તે જરા યાદ કરી લે. ગામડામાં વિજળી, રસ્તા, પીવાનું શુધ્ધ પાણી, આરોગ્ય સેવા વગેરે જેવી પાયાની સુવિધાઓ પણ ઉપ્લબ્ધ નહોતી. કોંગ્રેસના ગુંડારાજને કારણે ખેડૂતો પોલીસ ફરિયાદ કરતા પણ ડરતા હતા, ગામડુ થરથર ધ્રુજતુ હતુ, ખેડૂતોના ઉભા પાક લણી લેવામાં આવતા હતા, આવી પરિસ્થિતિ હતી. તેને બદલે આજે ભાજપાના શાસનમાં ગુજરાતનો ખેડૂત સુખી અને સમૃધ્ધ બન્યો છે. ખેડૂતોને ખેતીના સાધનમાં સબસીડી, વ્યાજબી ભાવે      બીયારણ અને ખાતરનો પુરતો જથ્થો, ઝીરો ટકા વ્યાજે લોન અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ખેડૂતો જેની વર્ષોથી રાહ જોઇ રહ્યા હતા તેવી ડોઢ ગણા ટેકાના ભાવની પણ જાહેરાત કરવામાં આવી છે. વાઘાણીએ જણાવ્યુ હતુ કે, યુવા રોજગારી માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા મુદ્રા યોજના , સ્ટાર્ટ અપ- સ્ટેન્ડ અપ ઇન્ડિયા, સ્કીલ ઇન્ડિયા વગેરે જેવી રોજગારલક્ષી યોજનાઓ દ્વારા દેશના યુવાનોને જોબસીકર નહી પરંતુ જોબગીવર બનાવ્યા છે. ગુજરાત સરકારે પણ ગયા બે જ વર્ષમાં એક લાખથી વધુ યુવાઓની સરકારી નોકરીમાં સીધી ભરતી કરી છે. તે ઉપરાંત રોજગારમેળા, એપ્રેન્ટીસ યોજના વગેરે જેવી વિવિધ યોજનાઓના માધ્યમથી ગુજરાતના યુવાનોને પણ રોજગારીની પુરતી તકો પૂરી પાડી છે.

(9:41 pm IST)