Gujarati News

Gujarati News

News of Wednesday, 29th August 2018

ચરસ હેરાફેરીના કેસમાં બે દોષિતોને પંદર વર્ષની જેલ

અમદાવાદની સ્પેશ્યલ કોર્ટનો મહત્વનો ચુકાદો : બે કાશ્મીરી આરોપીને સજા ઉપરાંત દોઢ લાખ રૂપિયાનો દંડ કરાયો : અન્ય એક આરોપીને નિર્દોષ છોડવાનો હુકમ

અમદાવાદ,તા.૨૮ : શહેરના અસલાલી વિસ્તારમાંથી ૨૦૧૧ના વર્ષમાં ૧૧૦ કિલો ચરસના જથ્થા સાથે પકડાવાના ચકચારભર્યા કેસમાં અત્રેની સ્પેશ્યલ કોર્ટે બે કાશ્મીરી આરોપીઓને પંદર વર્ષની સખત કેદની સજા ફટકારી હતી, જયારે અન્ય એક આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવા હુકમ કર્યો હતો. સ્પેશ્યલ કોર્ટે આરોપી મહમંદ અને ઇશ્તીયાકને પંદર વર્ષની સજાની સાથે સાથે દોઢ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. આ અંગેની વિગત એવી છે કે, નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓ દ્વારા વર્ષ ૨૦૧૧ના અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી શાહપુરના જુનેદ શેખ, કાશ્મીરના પુંચ જિલ્લાના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાક અઝીઝને ૧૧૦ કિલો ચરસ સાથે પકડી પાડયા હતા. આ ત્રણેય આરોપીઓ સામે એનસીબીના અધિકારીઓએ એનડીપીએસ એકટની કલમો હેઠળ જરૂરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જેમાં આરોપીઓ વિરૂધ્ધ સ્પેશ્યલ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા સાથે ટ્રાયલ ચાલી ગયો હતો. જેની સુનાવણીના અંતે, સ્પેશ્યલ જજ પી. એસ. રાઘવે આરોપી જુનેદ શેખને શંકાનો લાભ આપી છોડી મૂકવા હુકમ કર્યો  હતો. જ્યારે કાશ્મીરના મહોમંદ કુરેશી અને ઈશ્તીયાકને પંદર વર્ષની સજા અને દોઢ લાખ રૂપિયા દંડ ફટકાર્યો હતો. જો દંડ ના ભરે તો વધુ છ મહિનાની સજા ભોગવવાનો પણ કોર્ટે હુકમ કર્યો હતો. આરોપીઓ ૨૦૧૧થી જેલમાં હોઇ તેમણે જેટલો સમય જેલમાં  પસાર કર્યો છે અને જેલવાસ ભોગવ્યો છે તે સજામાં તેમને મજરે મળશે એટલે કે, પંદર વર્ષની સજામાંથી જેલવાસ ભોગવેલા વર્ષો બાદ ગણવામાં આવશે તેવી પણ કોર્ટે સ્પષ્ટતા કરી હતી. ગુજરાતમાં ચરસના જથ્થા જપ્ત કરવાના બનાવ હાલના દિવસોમાં વધી રહ્યા છે. આવી સ્થિતિમાં કેટલાક જાણકાર લોકો એવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યા છે કે, ગુજરાત પણ પંજાબની દિશામાં આગળ વધી રહ્યું છે. ચરસ હેરાફેરી કેસમાં બેને કઠોર સજા ફટકારવામાં આવી છે.

(8:14 pm IST)