Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

સુરતમાં CAની વિદ્યાર્થિની ગાયબ:પિતાને આવ્યો 10 લાખની ખંડણીનો ફોન : બોયફ્રેન્ડ પણ લાપતા

જૂના પ્રેમીના ઘર તરફ જતી સીસીટીવીમાં દેખાઈ યુવતી : અત્યાર સુધીમાં ત્રણ વખત ખંડણી માટે અલગ-અલગ નંબરથી ફોન આવ્યા

સુરતના વરાછા વિસ્તારની એક વિદ્યાર્થિની ગાયબ થવાના સમાચાર સામે આવતા ચકચારી મચી છે. CAનો અભ્યાસ કરતી 20 વર્ષની દિકરી ગાયબ થવાની ઘટના બાદ પરિવાર હેરાન-પરેશાન થઈ ગયો છે. સમગ્ર ઘટના જોઈએ તો, CAનો અભ્યાસ કરતી અને એક રત્નકલાકાર પિતાની 20 વર્ષની દિકરી ઘરેથી બૂક લેવા નીકળી હતી. જે બાદ પરત ઘરે પહોંચી નથી. પરિવારે ઘણી તપાસ કરી હોવા છતાં તેની કોઈ જાણ મળી નહીં. ગાયબ થયાના થોડા કલાકો બાદ રત્નકલાકાર પિતાને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. જેમાં તેની પાસે 10 લાખ રૂપિયાની ખંડણીની માગણી કરાઈ હતી. સાથે ધમકી પણ આપવામાં આવી કે, જો દીકરીને સાજી-સારી જોઈતી હોયતો પોલીસને જાણ કરવી નહીં.

સમગ્ર મામલો પોલીસને જાણ થતાં તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો હતો. અને વિદ્યાર્થીના બોયફ્રેન્ડના ઘરે પોલીસ પહોંચી હતી. જે બાદ જાણવા મળ્યું કે, બોયફ્રેન્ડ પણ મોબાઈલને ઘરે રાખી ક્યાંક ગુમ થઈ ગયો છે. હવે પોલીસ સમગ્ર કડીઓને જોડીને બ્લાઈન્ડ કેસની તપાસ કરી રહી છે. 

પોલીસ દ્વારા દીકરીના પિતા પર આવેલા ફોનની તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં ત્રણ વખત ખંડણી માટે અલગ-અલગ નંબરથી ફોન આવી ચૂક્યા છે. બુધવાર સાંજના સમયે ઘરેથી નીકળ્યા બાદ દીકરીનો કોઈ પતો નથી. પરિવારમાં સૌ કોઈ હેરાન-પરેશાન છે. પોલીસ પણ કેસની પાછળ પડી ચૂકી છે. અલગ-અલગ ટીમની રચના કરીને સમગ્ર એન્ગલથી તપાસ શરૂ કરી દેવાઈ છે.

સાથે સીસીટીવી કેમેરાની પણ તપાસ કરવામાં આવી છે. જેમાં કેટલાક દ્રશ્ય દેખાયા છે. યુવતી હીરાબાગ શાકભાજી માર્કેટથી કાપોદ્રા પોપડા સુધી દેખાઈ છે. બીજી તરફ પોલીસને માહિતી પ્રાપ્ત થઈ છે કે, કાપોદ્રામાં રહેતા યુવક સાથે અગાઉ પ્રેમ સંબંધ હતા. અને આ યુવક પણ હાલ ઘરમાં હાજર નથી. આ દિશા તરફ પણ પોલીસ તપાસ કરી રહી છે. શું બંને લોકો સાથે ભાગી ગયા છે કે, કેમ. તેની પણ તપાસ થઈ રહી છે. અને ખંડણીના બહાને સમગ્ર ઘટનાને નવું રૂપ આપવાની કોશિશ પણ હોઈ શકે છે. 

(11:17 pm IST)