Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

અમદાવાદ હાઇકોર્ટમાં સાસુ-વહુનો ઝઘડો પહોંચ્‍યોઃ અર્થહીન અરજી કરવા બદલ સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો

રેવન્‍યુ વિભાગમાં પુત્રવધુની નિમણુંક રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી

અમદાવાદ: સાસુ વહુના ઝઘડાનો વિચિત્ર કિસ્સો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. સરકારી નોકરીમાં પુત્રવધુની નિમણૂંક રદ કરવા સાસુએ હાઈકોર્ટના દરવાજા ખખટાવ્યા હતા. પરંતુ હાઈકોર્ટે સાસુની અરજી ફગાવી દીધી છે. તેમજ Hc એ આવી અર્થહીન અરજી કરવા બદલ સાસુને રૂપિયા 10 હજારનો દંડ ફટકાર્યો છે. હાઈકોર્ટે આ મામલે કહ્યું કે, સાસુ વહુના  ઝઘડામાં અંગત પ્રકારનું વેર રાખીને અરજી કરવામાં આવી છે.

સાસુએ વહુને નોકરીમાંથી કાઢવા અરજી કરી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યના રેવન્યુ વિભાગમાં પુત્રવધુની કરાયેલી નિમણુંક રદ કરવા મામલે સાસુએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. પુત્રવધૂએ વર્ષ-2015માં છૂટાછેડા લેવા માટે અરજી કરી હતી, જે પડતર છે. સાસુ તરફથી કહેવાયુ હતું કે, તેની પુત્રવધૂએ નોકરી માટે ભરેલા ફોર્મમાં ખોટી વિગતો ભરી છે અને સરકારને પોતે કુંવારી હોવાનું દર્શાવ્યું છે. તેણે જીપીએસસીના નિયમોનો ભંગ કર્યો છે. આથી તેની નિમણૂંક રદ કરવામાં આવે. જોકે, કોર્ટે સાસુ તરફે વકીલનો ઉધડો લીધો હતો. જસ્ટિસ એ. એસ. સુપૈયાએ આ અરજી મામલે સાસુની ઝાટકણી કાઢી હતી. સાથે જ હાઈકોર્ટે સાસુને 10 હજારનો દંડ ફટકાર્યો છે અને તેને વસૂલવા માટે રજિસ્ટ્રીને આદેશ કર્યો છે.

જસ્ટિસ સુપૈયાએ કહ્યું, તમે કોર્ટનો કિંમતી સમય બગાડ્યો છે

સુનાવણી દરમિયાન જસ્ટિસ સુપૈયાએ કહ્યું કે, તમારા અંગત વેરઝેરને કારણે તમે આ અરજી કરી છે, જેને કારણે હાઈકોર્ટનો કિંમતી સમય બગડી રહ્યો છે. આ પ્રકારની અર્થહીન અરજી કરવા બદલ કોર્ટના 10 વ્યકિતનો સ્ટાફ કામે લાગે છે. તમને સમયની કિંમત કંઈ સમજાય છે? નવાઈ એ વાતની લાગે છે કે વકીલે અરજદારને આ પ્રકારની અરજી કરવા માટે પ્રોત્સાહન પણ આપ્યું છે.

(5:17 pm IST)