Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

વડોદરા મેડિકલ કોલેજ રેગિંગકાંડ

મોકૂફ રાખેલી MBBSની પરીક્ષા ૩ ઓગસ્ટે લેવાશે

વડોદરા તા. ૨૯ : શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રેગિંગનો મામલો સામે આવ્યો હતો, રેગિંગનું પ્રકરણ સામે આવ્યા બાદ MBBSના ત્રીજા વર્ષની પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી હતી હવે ૩ ઓગસ્ટે યોજાશે MBBSની પરીક્ષા યોજાનાર છે.

મહત્વનું છે કે ૨૬ જુલાઈના રોજ પરીક્ષા યોજાવાની હતી પરતું તે જ દિવસે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓની રેગિંગ કરી હોવાનું સામે આવ્યું હતું જેમાં પૂર્વ વિદ્યાર્થીઓએ બીજા વર્ષના વિદ્યાર્થીઓને વહેલી સવારે એકઠા કરી ઉઠબેસ કરાવતા કેટલાક વિદ્યાર્થીઓની તબિયત લથડી હતી. રેગિંગની આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ છે અને કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલમાંથી ઘરે જતા રહ્યા છે. જે બાદ પરીક્ષા મોકૂફ કરી દેવામાં આવી હતી. મામલો સામે આવ્યા બાદ રેગિંગ મામલે જવાબદાર બે રેસિડેન્ટ તબીબને છૂટા કરાયા છે. કોલેજના ડીને પણ રેગિંગ અંગેની કબૂલાત કરી હતી અને રેગિંગ કરનાર તબિબો સામે કાર્યવાહી કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. જો કે ઘટનાની તાત્કાલિક અસરને પગલે બે પૂર્વ વિદ્યાર્થીઓ પાણીચું પકડાવી દેવામાં આવ્યું હતું જયારે ત્રીજા વર્ષના ૫ વિદ્યાર્થીઓ અને એક ઈન્ટર્ન તબીબને છ માસનું એકેડેમિક સસ્પેન્શન આપી દેવામાં આવ્યું હતું.

રેગિંગ મામલેક એન્ટિ રેગિંગ કમિટીનો રિપોર્ટ પોલીસને સુપ્રત કરાયો છે તેમજ રેગિંગને લઈ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવાઈ છે. જો કે હવે રેગિંગ બાદ મોકૂફ કરાયેલી MBBSના ત્રીજા વર્ષની પરીક્ષા ૩ ઓગસ્ટના રોજ લેવામાં આવનાર છે.

(3:00 pm IST)