Gujarati News

Gujarati News

News of Thursday, 29th July 2021

એકલા સુરત પંથકમાંથી ૬૨૦૦૦ બનાવતી યુઝર આઇ.ડી બનાવાઇ

લોકડાઉન અને કોરોનાકાળમાં ખોટા બીલો બનાવી ૧૦૦ કરોડથી વધુ રકમનું અનાજ કાળાબજારમાં સગેવગે કરાયું...જબ્બર કૌભાંડ.. કૈકના તપેલા ચઢી જશે..

રાજકોટ: સરકારી અનાજ વગે કરવાના રાજ્યવ્યાપી  કૌભાડમાં ફકત સુરત શહેરમાંથી ૬૨૦૦૦ જેટલી ફેક યુઝર આઇ.ડી મારફત વ્યાજબી ભાવના દુકાનદારોએ લોકડાઉન અને કોરોનાકાળ દરમિયાન રૂ.૧૦૦ કરોડનું અનાજ ચાઉં કર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. તપાસમાં આ આંકડો ઉંચો જવાની શક્યતા છે.

લોકડાઉન અને કોરોનાકાળ સરકારી અનાજ કાળાબજાર કરનારાઓને ફળ્યું હોય તેમ ફેક યુઝર આઇ.ડી બનાવી કરોડો રૂપિયાનું અનાજ કાળાબજારમાં સગેવગે કર્યાનું અમદાવાદ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. થોડા દિવસ પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ કૌભાડ ઝડપ્યુ હતુ. તે વખતે પકડાયેલા આરોપીના મોબાઇલ ફોન અને લેપટોપમાંથી ફેક યુઝર આઇ.ડી મળતા તપાસ વધુ તેજ બનાવતા નવું કૌભાડ બહાર આવ્યુ હતું તેમ પ્રસિદ્ધ થયું છે. 

જે રેશનકાર્ડ ગ્રાહકો નેશનલ ફુડ સિકયુરીટી એકટ ( એનએફએસએ ) હેઠળ અનાજ લેવા જતા ન હોતાં.  તેના નામનું ફેક યુઝર આઇ.ડી બનાવી દેવાતું હતું. અને ટોળકી આ આઇ.ડી રૃપિયા લઇને દુકાનદારોને વેચી દેતી હતી. અને દુકાનદારો આ આઇ.ડી પર ગેમ સ્કેન અને સેવ ડેટા સોફ્ટવેરની મદદથી અનાજ આપ્યાના ખોટા બીલો બનાવી સરકારી અનાજ ગપચાવતા હતા.

અમદાવાદમાંથી જે આરોપી પકડાયા હતા તેમના લેપટોપ અને મોબાઇલમાંથી ફકત સુરત શહેર અને જિલ્લામાંથી આવી ૬૨૦૦૦ ફેક યુઝર આઇ.ડી બનાવાઇ હોવાનું બહાર આવ્યું છે. અને લોકડાઉન અને કોરોકાળ દરમિયાન ખોટા બીલો બનાવી અનાજ ચાઉં કરાયું હોવાની જાણકારી મળી છે. એક અંદાજ મુજબ રૃા.૫૨ લાખના ઘંઉ, રૃા.૪૪ લાખના ચોખા અને રૃા.ત્રણ કરોડની ખાંડ તેમજ દાળ સહિતના અનાજ મળીને અંદાજે 100 કરોડથી વધુ અનાજ સગેવગે કરાયું છે. 

(11:05 am IST)