Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

અમદાવાદના થલતેજમાં 2 લાખની બનાવટી ચલણી નોટ અને ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે બે પિતરાઈ ભાઈઓ ઝડપાયા

માં નકલી કરન્સી છાપવાના પ્રિન્ટર મશિન સહિતની સામગ્રી અને ઈંગ્લીશ દારૂ અને બિયરની બોટલોનો જથ્થો જપ્ત

અમદાવાદ : નકલી  ચલણી નોટો સાથે બાઈક પર જઈ રહેલા 2 પિતરાઈ ભાઈઓને ઝડપી પાડ્યા હતા. પોલીસ પૂછપરછમાં બન્નેએ નકલી ચલણી નોટ જાતે જ છાપતા હોવાનો ખુલાસો કર્યો હતોજેના આધારે પોલીસે થલતેજ ભાઈકાકા નગર અંજય એપાર્ટમેન્ટ ખાતે આરોપીઓના ઘરે દરોડો પાડ્યો હતો. જેમાં નકલી કરન્સી છાપવાના પ્રિન્ટર મશિન સહિતની સામગ્રી અને ઈંગ્લીશ દારૂ અને બિયરની બોટલોનો જથ્થો પણ મળી આવ્યો હતો. આથી ક્રાઇમ બ્રાન્ચે બન્ને આરોપી વિરુદ્ધ નકલી કરન્સી એકટ અને પ્રોહીબિશન એકટ મુજબના બે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે થલતેજ ચોકી પાસે વોચ ગોઠવી બાઈક પર પસાર થતાં ઉદય રમેશ પ્રજાપતિ (23) અને મીત મહેશ પ્રજાપતિને (22) અટકાવીને તલાશી લીધી હતી. ઉદયના ખિસ્સામાંથી રૂ. 500ના દરની 82 અને રૂ.200ના દરની 28 નકલી ચલણી નોટ તેમજ મીતના ખિસ્સામાંથી રૂ.500ના દરની 122 નકલી ચલણી નોટ મળી આવી હતી.

આ બાબતે FLS અધિકારીને સ્થળ પર બોલાવવા તજવીજ કરી હતી. આ દરમિયાન ચલણી નોટ અંગે આરોપીઓની પૂછપરછ કરતાં તેઓએ ઘરે પ્રિન્ટર મશિનથી નકલી નોટ તૈયાર કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો હતો. જેના પગલે પોલીસે બન્ને આરોપીના મકાન પર દરોડો પાડતાં ત્યાંથી બીજી રૂ.500ના દરની 204 નકલી ચલણી નોટ મળી,તેમજ પ્રિન્ટર મશિન, કટર,કાગળો,કાતર અને ફૂટપટ્ટી મળી હતી.

પોલીસને તપાસ દરમિયાન આરોપીઓના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની વિવિધ બ્રાન્ડની 8 બોટલ અને બિયરની 10 બોટલ મળી આવી હતી. આમ રૂ.2,09,600ની બનાવટી ચલણી નોટ તેમજ દારૂ,બિયરની બોટલો રૂ.10,335ની મળી આવી હતી. જે પોલીસે કબ્જે લઈ કાર્યવાહી શરૂ કરી હતી.

FSL અધિકારીએ સ્થળ પર તપાસ કરી ચલણી નોટ પર સિક્યોરિટી થ્રેડ, વોટરમાર્ક અને ફ્લોરોન્સ કલર ન મળતાં કરન્સી નકલી હોવાનો પ્રાથમિક અભિપ્રાય આપ્યો હતો.

પોલીસ તપાસમાં ઉદય અને મીત મૂળ પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામના રહેવાસી હોવાનું ખુલ્યું છે. ક્રાઇમબ્રાન્ચે બંને આરોપીઓ વિરુદ્ધ બે ગુના દાખલ કરી બન્નેનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ શરૂ કરી હતી.

(7:54 pm IST)