Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

ખાનગી મેડિકલ કોલેજના છાત્રોની ફીમાં રાહતની માગ

કોરોનાના લીધે અભ્યાસ બંધ રહ્યો છે : રાજ્યભરની ઘણી મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ આ પ્રકારની માગણી શરૂ કરતા કોલેજ સંચાલકો મુંઝાયા

અમદાવાદ, તા. ૨૮કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકારે વાલીઓને ફી ભરવામાંથી રાહત આપાવી ત્યારે હવે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા પણ ફીમાં રાહત અને ફી માફીની માગણીઓ કરવામાં આવી રહી છે. જેમાં રાજ્યની ઘણી મેડિકલ કૉલેજના વિદ્યાર્થીઓએ પ્રકારની માગણી શરૂ કરી છે. વિદ્યાર્થીઓ દ્વારા ઓનલાઈન પણ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI દ્વારા પણ વિષયમાં ટેકો આપવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ગુજરાત મેડિકલ સ્ટુડન્ટ્સ એસોસિએશન દ્વારા મેડિકલ કૉલેજની ફીમાં રાહત આપવાની સાથે તેના માળખામાં ફેરફાર કરવામાં આવે તેવી માગણીઓ વિદ્યાર્થીઓ દ્વારા શરુ કરવામાં આવી છે. ૨૨ સેલ્ફ ફાઈનાન્સ કૉલેજ કે જેમાં ૧૪ હજાર જેટલાક વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં ફીમાં ઘટાડો કરવાની માગણી કરવામાં આવી રહી છે.

          આ મેડિકલ કૉલેજમાં પારુલ મેડિકલ કૉલેજે, સ્મીમેર કૉલેજ, સીયુ શાહ મેડિકલ કૉલેજ સહિતની કૉલેજો દ્વારા વિદ્યાર્થીઓને ૩૧મી જુલાઈ સુધીમાં ફી ભરવા અંગે જણાવવામાં આવ્યું છે. આવામાં વિદ્યાર્થીઓ માગણી કરી રહ્યા છે કે જે રીતે ખાનગી સ્કૂલોમાં ભણતા વિદ્યાર્થીઓના વાલીઓને રાહત આપવામાં આવી છે તે રીતે મેડિકલના વિદ્યાર્થીઓને પણ રાહત આપવી જોઈએ. પ્રકારની માગણી કરી રહેલા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે, કોરોના વાયરસના કારણે તેમના વાલીઓના ધંધા-રોજગાર પર અસર પડી છે આવામાં તેમની પાસેથી કૉલેજ દ્વારા ફીની માગણી કરવામાં આવી રહી છે જે ભરવી મુશ્કેલ છે. તરફ વિદ્યાર્થીઓને ટેકો આપીને NSUI દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મેડિકલ અને પેરામેડિકલના વિદ્યાર્થીઓને રાહત મળે અને તેમની એક વર્ષની ફી માફ કરવામાં આવે તેવી માગણી છે. જો કોઈ કૉલેજ ફી મામલે વિદ્યાર્થીઓનું એડમિશન રદ કરશે કે કોઈ તકલીફ આપશે તો NSUI દ્વારા આંદોલન કરવામાં આવશે. વાલીઓએ પણ દલીલ કરી છે કે કોરોના વાયરસના કારણે અમારા ધંધા-રોજગાર ઠપ થઈ ગયા છે એવામાં અમે આટલી ફી લાવીએ ક્યાંથી ?

(10:25 pm IST)