Gujarati News

Gujarati News

News of Wednesday, 29th July 2020

રાજ્યભરની GIDCમાં પરપ્રાંતિય શ્રમિકોનો થશે કોરોના ટેસ્ટ: એમ.થેન્નારસનની જાહેરાત

રાજ્યમાં 230 જીઆઇડીસી કાર્યરત: કોરોના લક્ષણો ધરાવતા પરપ્રાંતિય શ્રમિકો થશે હોમ કોરન્ટાઇન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યાં છે. એવામાં કોરોનાને માત આપવા અલગ-અલગ રણનીતિ બનાવવામાં આવી રહી છે. જેને ધ્યાનમાં રાખી GIDCનાં એમડી દ્વારા એક અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજ્યભરમાં આવેલી GIDCઓમાં અન્ય રાજ્યોમાંથી આવનારા પરપ્રાંતિય શ્રમિકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જો પરપ્રાંતિય શ્રમિકોનો કોઈને પણ લક્ષણો દેખાશે તો તેમને હોમ ક્વૉરન્ટાઇન કરવા તથા મેડિકલની સુવિધાઓ પુરી પાડવા GIDCનાં સત્તાધીશો અને એસોસિએશનોને સૂચના આપવામાં આવી છે.

કોરોનાની મહામારી વખતે ગુજરાત અને મહારાષ્ટ્ર સહિતનાં રાજ્યો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં અન્ય રાજ્યોનાં શ્રમિકો રોજગારી માટે આવ્યાં હતાં.ઓ પરત પોતાના વતન જતા રહ્યાં હતાં. જો કે હવે અનલોકને કારણે ઉદ્યોગ-ધંધા રોજગાર શરૂ થયા છે.ત્યારે શ્રમિકો પરત આવી રહ્યાં છે.

જો કે એક વાત એવી સામે આવી છે કે GIDCઓમાં કામ કરતાં શ્રમિકોમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું છે.શ્રમિકોના કોરોના ટેસ્ટ કરવામાં આવે તે માટે હવે સુરત અને અમદાવાદનાં આરોગ્ય વિભાગને સજ્જ કરવામાં આવી રહ્યું છે.કોરોનાની મહામારી વધુ પસરે નહીં એ હેતુથી હવે ગુજરાતની તમામ GIDCમાં કામ કરવા આવનારા શ્રમિકોનાં કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

આ માટે નિયુક્ત થયેલા એમ.થેન્નારસને જણાવ્યું હતું કે, “રાજ્યની તમામ GIDCઓમાં શ્રમિકોને કોરોના ટેસ્ટ કરવામાં આવશે. ગુજરાતમાં આશરે 230 જેટલી GIDC હાલ કાર્યરત છે, આ GIDCમાં અંદાજે 17 લાખ જેટલા શ્રમિકો કાર્યરત હતાં. જો કે કોરોનાને કારણે તેમાંથી મોટા ભાગના પોતાના વતન જતાં રહ્યાં હતાં. હવે તેમાંથી અનેક શ્રમિકો પરત ગુજરાત આવી રહ્યાં છે.

GIDCઓને આદેશ કરાયો છે કે પરપ્રાંતથી આવનાર શ્રમિકોમાં કોરોનાના લક્ષણો દેખાઈ રહ્યાં છે. જેથી તેમનું ટેસ્ટિંગ કરવામાં આવશે. ટેસ્ટિંગમાં જો પોઝિટિવ કે સંક્રમણની અસર દેખાશે તો GIDC ખાતે જ હોમ કોરન્ટાઇન કરી તેમને યોગ્ય મેડિકલ સારવાર આપવામાં આવે તેવી સૂચના GIDCનાં અધિકારીઓ અને ઉદ્યોગકારોનાં એસોસિયેશનને અપાઈ છે.

સુરત અને અમદાવાદમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, અહીં GIDC અને ઉદ્યોગોની સંખ્યા વધારે છે તેથી સૌથી પહેલા અમલીકરણ પણ સુરત અને અમદાવાદની GIDCથી શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ અન્ય GIDCઓમાં પણ આ જ રીતે કામગીરી કરવામાં આવશે.

(10:23 pm IST)