Gujarati News

Gujarati News

News of Wednesday, 29th June 2022

અમદાવાદની રથયાત્રાનું આકર્ષણ ગજરાજનું મેડિકલ ચેકઅપ કરાયું : 14 ગજરાજ જોડાશે

સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટી ઉંમરનો હાથી 75 વર્ષનો : પશુપાલન વિભાગની બે ટીમ અને કાંકરિયા ઝુની બે ટીમ ડાર્ટ ગાન અને એનેસ્થેશિયા સાથે તૈનાત રહેશે

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા  નીકળવાની છે તે પૂર્વે તંત્ર દ્વારા તૈયારી તેજ થઈ છે. જોકે રથયાત્રાની સૌથી આગળ આગેવાનીમાં ગજરાજ રહેતા હોય છે. ત્યારે રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે હાથીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે. ગજરાજનું મેડિકલ ચેકઅપ કેવી રીતે થાય છે અને ક્યાં કયા પેરામીટર્સ ધ્યાનમાં લેવામાં આવે છે તે જાણવું પણ જરૂરી છે. અષાઢી બીજના રોજ ભગવાન જગન્નાથજી રથયાત્રા લઈ નગરયાત્રાએ નીકળવાના છે. જેને લઈ તડામાર તૈયારીઓ મંદિર પ્રસાશન દ્વારા કરવામાં આવી રહી છે. આ 145મી રથયાત્રામાં 14 જેટલા ગજરાજ જોડાશે. જેમાં 13 ફિમેલ ગજરાજ અને 1 મેલ ગજરાજ હશે. સૌથી નાનો ગજરાજ 10 વર્ષ અને સૌથી મોટી ઉંમરનો હાથી 75 વર્ષનો છે. રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પશુપાલન વિભાગની ટીમ અને કાંકરિયા ઝુની ટીમ દ્વારા ગજરાજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

કાંકરિયા ઝુના સુપરિટેન્ડેન્ટ આર. કે શાહુએ જણાવ્યું કે રથયાત્રા દરમિયાન ગજરાજ માનસિક સંતુલન ન ગુમાવે તે માટે મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. હાથીનું ફિઝિકલ ચેક અપ અને મેન્ટલ ચેકઅપ ચેક કરવામાં આવે છે. તેમજ મેઈલ હાથી તેની મસ્તીમાં તો નથી તે ચેક કરવામાં આવે છે. તેમજ હાથીને ચલાવીને પણ ચેક કરવામાં આવે છે. રથયાત્રા દિવસે પણ કાંકરિયા ઝુની ટીમ ટ્રેનક્યુલાઇઝર ગન સાથે રથયાત્રામાં સાથે રહેશે. વિભાગીય પશુપાલન નિયામક પી એસ. સુત્તરીયાએ જણાવ્યું કે ત્રણ દિવસથી હાથીઓનું ઓબ્ઝર્વેશન કરવામાં આવી રહ્યું છે. આ ત્રણ દિવસમાં હાથીઓમાં કોઈ એબનોર્મલ ચિહ્નો દેખાયા નથી. મેડિકલ ચેકઅપમાં ટેમ્પરેચર રેસ્પીરેશન પલ્સ ચકાસવામાં આવ્યા છે. રથયાત્રા દરમિયાન પણ પશુપાલન વિભાગની બે ટીમ અને કાંકરિયા ઝુની બે ટીમ ડાર્ટ ગાન અને એનેસ્થેશિયા સાથે રહેશે.

(11:34 pm IST)